ગાઝામાં લગભગ બે વર્ષ ચાલતા યુદ્ધનો અંત લાવવા માટે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની 20-મુદ્દાની યોજનાને ઇઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિતના વિશ્વભરના નેતાઓએ સમર્થન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યોજનાને સમર્થન આપ્યું હતું.
ટ્રમ્પે જણાવ્યું હતું કે જો હમાસ શાંતિ યોજના માટે રાજી થઈ જાય તો આગામી 72 કલાકમાં જ યુદ્ધ સમાપ્ત થઈ જશે. જો હમાસ આ શાંતિ પ્રસ્તાવ મુદ્દે સહમત નહીં થાય તો ઈઝરાયલ હુમલા ચાલુ રાખશે અને અમેરિકા તેનું સમર્થન કરશે. યુદ્ધ સમાપ્ત કરવા ઈઝરાયલની શરત છે કે હમાસે બંધક બનાવેલા તમામ નાગરિકોને છોડવા પડશે. જે બાદ ઈઝરાયલ પણ ધીમે ધીમે પોતાની સેના ગાઝાથી પરત બોલાવી લેશે. તેઓ એક શાંતિ બોર્ડનું પણ રચના કરશે અને તેઓ ખુદ તેના પ્રમુખ રહેશે. આ બોર્ડ ગાઝામાંથી સેના હટાવવા તથા શાંતિપૂર્ણ શાસનની સ્થાપના કરવાનું કામ કરશે.
ટ્રમ્પની યોજનાને આવકારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘અમે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ગાઝા યુદ્ધને સમાપ્ત કરવા માટે જાહેર કરાયેલી એક વ્યાપક યોજનાનું સ્વાગત કરીએ છીએ. આ યોજના પેલેસ્ટાઈન અને ઇઝરાયલી લોકો તેમજ વ્યાપક પશ્ચિમ એશિયાઈ પ્રદેશ માટે લાંબા ગાળાની અને સ્થાયી શાંતિ, સુરક્ષા અને વિકાસનો એક વ્યવહાર્ય માર્ગ પૂરો પાડે છે. અમે આશા રાખીએ છીએ કે તમામ સંબંધિત પક્ષો ટ્રમ્પની આ પહેલ પાછળ એકજૂટ થશે અને સંઘર્ષનો અંત લાવવા અને શાંતિ સુનિશ્ચિત કરવાના આ પ્રયાસને સમર્થન આપશે.’
2023થી ચાલી રહેલા હમાસ-ઈઝરાયલ યુદ્ધમાં પેલેસ્ટાઈનમાં 66,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ઈઝરાયલના 48 લોકો હજુ પણ હમાસની કેદમાં છે. ઈઝરાયલનું માનવું છું કે 48માંથી 20 હજુ જીવિત છે.
ટ્રમ્પની યોજના મુજબ હમાસ 48 કલાકમાં ઈઝરાયલના બંધકોને મુક્ત કરે પછી સ્થાયી યુદ્ધવિરામ લાગુ કરાશે. આ પછી ઈઝરાયલ ધીમે ધીમે પોતાની આર્મી ગાઝાથી પરત બોલાવશે. ગાઝામાં નવી સરકાર બનાવાશે, જેમાં હમાસ સામેલ નહીં હોય. ગાઝા માટે નવી સુરક્ષા ફોર્સ બનાવાશે જેમાં અરબ અને મુસ્લિમ દેશોના સૈનિક હશે
