ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટનું માર્કેટ કેપિટલાઈઝેશન ગયા સપ્તાહે વધીને 1 ટ્રિલિયન (1000 બિલિયન)ડૉલરને પાર થયું હતું. આવી સિદ્ધિ મેળવનારી આલ્ફાબેટ જગતની છઠ્ઠી અને અમેરિકાની ચોથી ચોથી કંપની બની હતી.
આલ્ફાબેટ એ ગૂગલની પેરેન્ટ કંપની છે અને તેની ઘણીખરી સંપતિ ગૂગલને કારણે છે. માટે માર્કેટ નિષ્ણાતોએ આ ઉપલબ્ધિને ગૂગલની જ સફળતા ગણાવી હતી. ભારતીય મૂળના ટેકનોક્રેટ સુંદર પિચાઈને હજુ ડિસેમ્બર 2019માં જ આલ્ફાબેટના સીઈઓ બનાવાયા હતા.
એ પછી ગૂગલે હાંસલ કરેલી આ મોટી સિદ્ધિ છે. મૂલ્યમાં વૃદ્ધિ થવાનું કારણ શેરના ભાવમાં આવેલો ઊછાળો હતો. 15મી તારીખે ગૂગલનો શેર અમેરિકી શેર માર્કેટમાં વધીને 1451.70 ડૉલરના ભાવે પહોંચ્યો હતો. ગયા વર્ષે ગૂગલના શેરમાં 26 ટકા અને છેલ્લા પાંચ વર્ષમાં સરેરાશ 5 ટકા વૃદ્ધિ જોવા મળી છે.
જગતની સૌથી પ્રથમ વન ટ્રિલિયન ડૉલર કંપની 2007માં ચીની સરકારની માલિકીની પેટ્રોચાઈના જાહેર થઈ હતી. હવે જોેકે તેની સંપતિ ઘટીને માત્ર 200 બિલિયન ડૉલર રહી ગઈ છે, કેમ કે પેટ્રોલિયમના ભાવો ઘટયા હતા.
એ પછી ગયા વર્ષે સાઉદી કંપની અરામકોએ પ્રથમ વાર પોતાની સંપતિ અને આવક વિશે જગતને માહિતી આપી હતી. ત્યારે તેનું મૂલ્ય 1.87 ટ્રિલિયન ડૉલર જણાયુ હતું. એટલું જ નહીં તેનો નફો પણ 111 બિલિયન ડૉલર હતો, જે એપલ કરતાં ક્યાંય વધારે હતો. અરામકોએ માહિતી જાહેર કરી એ પહેલા એપલ જગતની સૌથી સંપત્તિવાન કંપની ગણાતી હતી.
અમેરિકામાંથી આ પહેલા એપલ, માઈક્રોસોફ્ટ અને એમેઝોન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. અમેરિકાની સૌથી પહેલી વન ટ્રિલિયન ડૉલર કંપની એપલ 2018માં બની હતી. એ પછી માઈક્રોસોફ્ટ અને અમેઝોનનું માર્કેટ કેપ પણ ઊંચકાયું હતું.
અલબત્ત પાછળથી અમેઝોનના શેરના ભાવ ઘટી જતાં અત્યારે એ 1 ટ્રિલિયન ડૉલરની કંપની નથી, અત્યારે તેનું મૂલ્ય 0.93 ટ્રિલિયન (934 બિલિયન) ડૉલર છે. એપલનું બજાર મૂલ્ય 1.36 ટ્રિલિયન અને માઈક્રોસોફ્ટનું 1.23 ટ્રિલિયન ડૉલર છે. ફેબ્રૂઆરી મહિનાના અંતે આલ્ફાબેટના ત્રિમાસિક પરિણામો જાહેર થશે. એ વખતે કંપનીની સંપતિમાં હજુ વધારો થાય એવી શક્યતા છે.
ભારતનું અર્થતંત્ર 2025 સુધીમાં 5 ટ્રિલિયન (5,000 બિલિયન) ડૉલર કરવાની સરકારની નેમ છે. અત્યારે ભારતના અર્થતંત્રનું કદ 2750 બિલિયન (2.7 ટ્રિલિય) ડૉલર છે.તેની સરખામણી કરીએ તો ખબર પડે કે આલ્ફાબેટ-ગૂગલનું મૂલ્ય ભારતના અર્થતંત્ર કરતાં 40 ટકા ભાગનું છે. જો એપલ-માઈક્રોસોફ્ટ-ગૂગલ ત્રણેયનું માર્કેટ કેપ એકઠું કરવામાંઆવે તો એ આંકડો ભારતના અર્થતંત્રને પણ ઓવરટેક કરી જાય.
જગતની આ છ કંપનીઓમાંથી ચાર એવી છે, જે ટેકનોલોજિ ક્ષેત્રમાં કામ કરે છે. બાકીની બે કંપનીઓ પેટ્રોલિયમનો બિઝનેસ કરે છે. દુનિયાની સૌથી વધુ સંપત્તિ ધરાવતી ટોપ-20 કંપનીઓ જોઈએ તો તેમાં પણ ટેકનોલોજિનો દબદબો છે.
એટલે કે અત્યારે એવી કંપનીઓ જ જગત પર રાજ કરે છે, જેમની પાસે ટેકનોલોજિ છે. આગામી સમયમાં 1 ટ્રિલિયન ડૉલર કંપની ફેસબૂક બની શકે એવી શક્યતા છે. તેની સંપતિ અત્યારે 620 બિલિયન ડૉલર છે.