પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ડીપફેક વીડિયો અંગે ચિંતામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકારે આઇટી નિયમોનું પાલન કરવા માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે એક એડવાઇઝરી જારી કરી છે. તમામ ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મે માટે આઇટી નિયમોનું પાલન કરતાં નથી તેવા કન્ટેન્ટ્સ અંગે તેમના યુઝર્સને ફરજિયાતપણે સ્પષ્ટ અને ચોક્સાઇપૂર્વક માહિતી આપવાની રહેશે.

સત્તાવાર યાદીમાં જણાવાયું હતું કે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MEITY) હાલના આઇટી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે તમામ મધ્યસ્થીઓ માટે એક એડવાઈઝરી જારી કરી છે. આઇટી માટેના રાજયકક્ષાના પ્રધાન રાજીવ ચંદ્રશેખરની તમામ સોશિયલ મીડિયા કંપનીઓના પ્રતિનિધિઓ સાથેની મંત્રણા પછી આ એડવાઇઝરી જારી કરાઈ છે.

એડવાઇઝરીમાં જણાવ્યા અનુસાર આઇટી નિયમો અને ખાસ કરીને નિયમ 3(1)(b) હેઠળ પ્રતિબંધિત છે તેવા કન્ટેન્ટ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે સ્પષ્ટ અને ચોખ્ખી ભાષામાં તેના યુઝર્સને ફરજિયાત માહિતી આપવાની રહેશે. કંપનીઓ સેવાની શરતો અને યુઝર્સ એગ્રીમેન્ટ મારફત આવી માહિતી આપી શકે છે. કંપનીઓએ યુઝર્સના પ્રથમ રજિસ્ટ્રેશન વખતે પણ આવી માહિતી આપવાની રહેશે. આ ઉપરાંત લોગ-ઇનના દરેક કિસ્સામાં યુઝર્સને નિયમિત રિમાઇન્ડર આપવા પડશે. પ્લેટફોર્મ પર કન્ટેન્ટના અપલોડિંગ કે શેરિંગ દરમિયાન પણ યુઝર્સને તેની માહિતી આપવી પડશે.

એડવાઈઝરીમાં ભારપૂર્વક જણાવાયું છે કે ડિજિટલ પ્લેટફોર્મ સુનિશ્ચિત કરવાનું રહેશે કે યુઝર્સને નિયમોના ભંગના કિસ્સામાં દંડની જોગવાઈઓ વિશે જાણ કરવામાં આવે. તેમાં આઈપીસી અને આઈટી એક્ટ 2000 હેઠળ થતાં દંડ અંગે પણ માહિતી આપવાની રહેશે. સેવાની શરતો અને યુઝર્સ એગ્રીમેન્ટમાં સ્પષ્ટપણે જણાવવાનું રહેશે કે જો યુઝર્સ નિયમોનું પાલન નહીં કરે તો તે નિયમભંગ અંગે સંબંધિત સત્તાવાળાને જાણ કરશે. IT નિયમોના નિયમ 3(1)(b) મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ યુઝર્સની પસંદગીની ભાષામાં તેમના નિયમો, રેગ્યુલેશન, પ્રાઇવેસી પોલિસી અને યુઝર્સ એગ્રીમેન્ટની માહિતી આપવી પડે છે. સોશિયલ મીડિયા કંપનીઓએ નિયમો મુજબ પ્રતિબંધિત છે તેવી કોઇ માહિતીનું યુઝર્સ હોસ્ટિંગ, ડિસ્પ્લેઇંગ, અપલોડિંગ, મોડિફાઇંગ, સ્ટોરિંગ, અપડેટિંગ કે શેરિંગ ન કરે તેના તમામ પ્રયાસો કરવાના રહેશે.

તાજેતરમાં અગ્રણી ફિલ્મી કલાકારોને નિશાન બનાવતા કેટલાક ‘ડીપફેક’ વીડીયો વાયરલ થયા હતા, તેનાથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો. તેનાથી ચેડાં કરેલા કન્ટેન્ટ અને ફેક વીડિયો બનાવવા માટે નવી  ટેક્નોલોજીના ઉપયોગ અંગે ચિંતામાં વધારો થયો હતો.

 

LEAVE A REPLY

thirteen + seven =