(ANI Photo)

ગુજરાતમાં 3,894થી વધુ ગ્રામ પંચાયતોની 22 જૂને યોજાયેલી ચૂંટણી પછી 25 જૂને રિઝલ્ટ આવ્યું હતું. રાજ્યમાં આશરે 2812 ગામડામાં નવા સરપંચ મળ્યાં હતાં. બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હોવાથી રાત્રે મોડે સુધી ઘણી જગ્યાએ રિઝલ્ટ આવ્યું ન હતું. સરપંચ કેટેગરીની કુલ ૪,૫૬૪ બેઠકો હતી. તેમાં ૧,૦૭૫ બેઠકો બિનહરીફ હતી. ચૂંટણીના પરિણામ જાહેર થયા ત્યારે અનેક ઉમેદવારોના ચહેરા પર જીતની ખુશી હતી, તો કેટલાંકને હાર સહન કરવી પડી હતી.
બુધવારે રાત્રે 8 વાગ્યા સુધીમાં ગ્રામ પંચાયના સભ્યની કેટેગરીમાં 10,292 બેઠકોના રિઝલ્ટની જાહેરાત થઈ હતી. 22,506 બેઠકો બિનહરીફ હતી.

૨૩૯ કેન્દ્રો પર મતગણતરી હાથ ધરવામાં આવી હતી. કુલ ૧૩,૪૪૪ કર્મચારીઓ મતગણતરી ફરજોમાં સામેલ હતા, જ્યારે ગણતરી દરમિયાન સુરક્ષા માટે ૧૪,૨૩૧ પોલીસ અધિકારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા.

ગુજરાતની 3,894થી વધુ ગ્રામ પંચાયતોની રવિવારે, 22 જૂને એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઈ હતી.રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ હોવા છતાં લોકો મતદાન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતાં. રાજ્ય સરકારે 2023માં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં 27 ટકા OBC અનામતની જાહેરાત કર્યા પછી આવી પ્રથમ વખત ચૂંટણી યોજાઈ હતી.

ઝવેરી કમિશનના અહેવાલની ભલામણો પર ઓગસ્ટ 2023માં રાજ્ય સરકારે પંચાયતો, નગરપાલિકાઓ અને નાગરિક નિગમોમાં OBCને 27 ટકા અનામતની જાહેરાત કર્યા પછી, ગુજરાતમાં પ્રથમ વખત આ ચૂંટણી યોજાઈ રહી છે. અગાઉ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં ઓબીસી માટે 10 ટકા અનામત હતી.

LEAVE A REPLY