ગીર સોમનાથના કોડિનારમાં વાવાઝોડાથી વીજળીનો થાંભલો પડી ગયો હતો. લોકો તેને રસ્તા પરથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. (PTI Photo)

ગુજરાતમાં 18મેએ આવેલા શક્તિશાળી વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા 80 લોકોના મોત થયા હતા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે નુકસાન થયું હતું. મકાન પડવાથી, ઝાડ પડવાથી કે વીજળીના કરંટથી મોટાભાગના મોત થયા હતા. અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વધુ જાનહાની થઈ હતી.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડાથી આશરે 16,000 મકાનોને નુકસાન થયું હતું અને 40,000થી વધુ વૃક્ષો ધરાશયી થયા હતા. વીજળીના આશરે 70,000 થાંભલા પડી ગયા હતા અને તેનાથી 5,951 ગામોમાં વીજળીનો સપ્લાય અટકી ગયો હતો.

વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. તેનાથી વીજળીના થાંભલા, વૃક્ષો અને મોબાઇલ ટાવર ધરાશાયી થઈ હતી અને ઊભા પાકને ભારે નુકસાન થયું હોવાનો અંદાજ છે. વાવાઝોડાને કારણે ગુજરાતના 46 તાલુકામાં 100મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. આમાંથી 12 તાલુકામાં 150થી 175 મીમી વરસાદ નોંધાયો હતો.

અમદાવાદમાં 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ થયો હતો. શહેરમાં 7 ઝોનમાં 1886 જેટલાં ઝાડ પડવાના બનાવો બન્યા હતા. 648 જેટલાં હોર્ડિંગ અને બેનર્સ પડવાના બનાવો બન્યા હતા. આશરે 71 મકાનોને નુકસાન થયું હતું.

સુરત શહેરમાં છેલ્લા બે દિવસમાં 600થી વધુ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. વાવાઝોડાની સૌથી વધુ અસર શહેરના વીજપુરવઠા પર પડી હતી. એમાં વીજકંપનીના 700 ફિડર, 900 જેટલાં ઇલેક્ટ્રિક પોલ અ્ને 10 ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચવાથી શહેરના વરાછા, કાપોદ્રા, ઉત્રાણ, છાપરાભાઠા, પાંડેસરા,ઉધના અને જહાંગીરપુરા સહિતના 15થી વધુ વિસ્તારોમાં કલાકો સુધી વીજપુરવઠો બંધ રહ્યો હતો. વીજપુરવઠો બંધ રહેવાને પગલે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.