Unseasonal rains in Ahmedabad, North Gujarat and Kutch: One dead due to lightning

ગુજરાતમાં ગુરુવાર, 18 નવેમ્બરે અમદાવાદ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના મોટાભાગના જિલ્લામાં કમોસમી વરસાદ થયો હતો. આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું હતું. ઉત્તર ગુજરાતના પાટણ, પાલનપુર, મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગરમાં તથા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ સાથે અનેક જિલ્લાઓમાં માવઠું થયું હતું. મહેસાણાના બેચરાજી અને ઊંઝામાં પણ વરસાદ નોંધાયો હતો.

જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગુરુવારની વહેલી સવારથી વાતાવરણ પલટાયું હતું. કચ્છમાં મોડી રાતથી સવાર સુધી કમોસમી વરસાદ પડ્યો હતો. વાગડના રાપર વિસ્તારમાં વ્યાપક કમોસમી વરસાદ મોડી રાતથી આજ સવાર સુધી ઝાપટાં સ્વરૂપે પડ્યો હતો.

ઉત્તર ગુજરાત ઉપરાંત સોરઠના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ઘણા વિસ્તારોમાં હવામાન વિભાગની આગાહી મુજબ, બુધવારની સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ગુરુવારે વહેલી સવારના સમયે જૂનાગઢ, મેંદરડા અને તાલાલા ગીર તાલુકાનાં અનેક ગામોમાં કમોસમી વરસાદનું માવઠું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. કમોસમી વરસાદ વરસવાનાં એંધાણને પગલે ખેડૂતોમાં ચિંતાની લાગણી જન્મી હતી.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યમાં 18થી 21 નવેમ્બર સુધી ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં છૂટોછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. અરબી સમુદ્રમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. જેની અસર હેઠળ અમરેલી, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથમાં પણ વરસાદની શક્યતા છે. તેમજ સુરત, વલસાડ, નવસારી, ડાંગમાં પણ સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
અમદાવાદના વાતાવરણમાં ગુરુવારે વહેલી સવારે પલટો આવ્યો હતો. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા સહિતના કેટલાંક વિસ્તારોમાં કમોસમી વરસાદી છાંટા પડ્યા હતા. ગાંધીનગરના કલોલમાં કમોસમી વરસાદ શરૂ થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા. બનાસકાંઠા જિલ્લામાં પણ છુટો-છવાયો વરસાદ પડ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે.