વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચવાની અચાનક જાહેરાત કર્યા બાદ આ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પોતાની જીતની ઉજવણી કરી હતી (PTI. Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે સવારે ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાને પાછા ખેંચવાની અચાનક જાહેરાત કર્યા બાદ આ કાયદાની વિરુદ્ધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોએ પોતાની જીતની ઉજવણી કરી હતી અને એકબીજાને મીઠાઈ ખવડાવી હતી.

જોકે ભારતીય કિસાન યુનિયન (બીકેયુ)ના નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે આંદોલન તાકીદે પાછું ખેચવામાં આવશે નહીં. અમે એ દિવસની પ્રતિક્ષા કરીશું કે જે દિવસે સંસદમાં કૃષિ કાયદાને રદ કરવામાં આવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકારે કૃષિ પાકના ટેકાના લઘુતમ ભાવ અને બીજા મુદ્દા અંગે ખેડૂતો સાથે મંત્રણા કરવી જોઇએ.
વડાપ્રધાનની જાહેરાતને આવકારતા સંયુક્ત કિસાન મોરચાએ જણાવ્યું હતું કે આ આંદોલન માત્ર ત્રણ કાળા કાનૂનીને રદ કરવાનું જ નહીં, પરંતુ તમામ કૃષિ પેદાશો અને તમામ ખેડૂતો માટે ટેકાના ભાવની કાનૂની ગેરંટી માટેનું છે. 40 કિસાન યુનિયનનું પ્રતિનિધિત્વ કરતાં આ મોરચાએ જણાવ્યું હતું કે ખેડૂતોની મહત્ત્વની માગણી હજુ પેન્ડિંગ છે.

કૃષિ ગયા વર્ષના 26 નવેમ્બર એટલે કે આશરે એક વર્ષથી આ કાયદાની વિરુદ્ધ દિલ્હી-હરિયાણા અને દિલ્હી પંજાબની સરહદ પર આંદોલન કરી રહ્યાં છે. મોદીની જાહેરાત પછી દિલ્હી બોર્ડર પર ખેડૂતોએ ઉજવણી શરૂ કરી હતી. ગાજીપુર પર ખેડૂતોએ કિસાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.