ગુજરાતના 32 જિલ્લાઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ ગયું છે. જ્યારે એક માત્ર જિલ્લો અમરેલી આ વાયરસના સંક્રમણથી બાકાત રહ્યો છે. ત્યારે મંગળવાર રાત સુધીના આંકડાઓની વિગતવાર વાત કરીએ તો ગુજરાતના આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં મંગળવારે પોઝિટિવ કેસો 441 નોંધાયા છે.

જ્યારે 186 લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થયા છે. એક દિવસમાં કોવિડના કારણે 15 લોકોનાં મોત થયા છે, તો અન્ય બીમારીઓ સાથે 34 લોકોનાં મોત થયા છે. આમ કોરોનાનાં એક જ દિવસમાં સૌથી વધારે પોઝિટિવ કેસ અને મોત મંગળવારના દિવસે નોંધાયા છે. જેને જોતાં લાગે છે કે ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે.

રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનાં સૌથી વધુ કેસ આજનાં દિવસે જ નોંધાયા છે. આજના 441 કેસોની વાત કરીએ તો અમદાવાદમાં 349 કેસ, વડોદરામાં 20, સુરતમાં 17, રાજકોટ 1, ભાવનગર 2, ગાંધીનગર 2, પાટણ 2, પંચમહાલ 4, બનાસકાંઠા 10, મહેસાણા 8, ખેડા 4, સાબરકાંઠા 4, અરવલ્લી 2, મહીસાગર 4, જૂનાગઢમાં 2 પોઝિટિવ કેસો નોંધાયા હતા.રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક 6245 થઈ ગયો છે.

જેમાં વેન્ટિલેટર પર 29 લોકો છે. તો 4467 લોકોની હાલત સ્ટેબલ છે. જ્યારે કુલ 1381 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. તો કોરોનાને કારણે રાજ્યમાં અત્યાર સુધી કુલ 368 લોકોનાં મોત નિપજ્યા છે. જેમાં અમદાવાદમાં જ 39 લોકોનાં મોત થયા છે. અરવલ્લી-ગાંધીનગર-ખેડા-સાબરકાંઠા-મહીસાગરમાં એક-એક દર્દીનાં મોત થયા હતા. તો સુરત 2 અને વડોદરામાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર હોમક્વોરોન્ટાઈન
રાજ્યભરમાં કોરોના મહામારીનો સામનો કરવા માટે મથી રહેલા સ્થાનિક વહીવટી તંત્રને સહાયરૂપ થવા માટે રાજ્ય સરકારે જુદા જુદા દોઢ ડઝન અધિકારીઓને ફિલ્ડમાં ઉતાર્યા છે એમાં સૌથી વધારે અમદાવાદ મહાનગર, ગ્રામ્ય તથા હોસ્પિટલોના સંકલન અને સંચાલન માટે ગોઠવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર વિજય નહેરા અને એમની ટીમ પણ આ કામગીરીમાં ખાસ કરીને શહેરના કોટ વિસ્તાર સહિત દસ રેડ ઝોનમાં કોરોનાને ડામવા માટે સખત મહેનત કરી રહ્યા હતા.

જોકે, આ ભાગદોડ વચ્ચે એમનો સંપર્કમાં આવનાર અધિકારીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં નહેરાએ ૧૪ દિવસ હોમ કોરન્ટિન રહેવાનો નિર્ણય કર્યો છે. જેને પગલે સિનિયર અધિકારીઓ એવા મુકેશ કુમાર, પંકજ કુમાર અને રાજીવ ગુપ્તાને અમદાવાદની જવાબદારી સોંપવામાં આવી છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ એપ્રિલના પ્રારંભમાં કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાસા સાથે સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક યોજી હોવા છતાં કોરન્ટિન થયા હતા.