બ્રિટનમાં હવે યુરોપમાં કોરોનાવાયરસના કારણે સૌથી વધુ મૃત્યુઆંક ધરાવતો દેશ બની ગયો છે. સત્તાવાર આંકડા દર્શાવે છે કે યુકેમાં તા. 24 એપ્રિલ સુધીમાં ચેપથી 32,000 લોકો મૃત્યુ પામ્યા છે અને તે સમયનો સાચો આંક 40,000થી વધુ હોઈ શકે છે. આ આંકમાં જેમનો ટેસ્ટ કરાયો ન હતો તેવા ભોગ બનેલા હજારો લોકોનો સમાવેશ થાય છે. ઇટાલીમાં અત્યાર સુધીમાં લગભગ 29,079, જ્યારે સ્પેનમાં 25,600 અને ફ્રાન્સમાં 25,200 લોકોના મોત થઇ ચૂક્યા છે. યુ.એસ. અત્યાર સુધીમાં લગભગ 70,000 લોકોના મરણ સાથે સૌથી વધુ મૃત્યુઆંક ધરાવે છે.

ઑફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ (ઓએનએસ)ના આંકડા મુજબ તા. 24મી એપ્રિલ સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં 29,710 લોકોના કોવિડ-19ના કારણે મૃત્યુ થયા છે. નેશનલ રેકોર્ડ સ્કોટલેન્ડ મુજબ સ્કોટલેન્ડમાં વધુ 2,219 લોકો અને NISRA મુજબ નોર્ધર્ન આયર્લેન્ડમાં 393 લોકો મૃત્યુ પામ્યા હતા. જો તેને ઉમેરવામાં આવે તો યુકેમાં કુલ 32,322 લોકોના મોત થયા છે. હેલ્થ ડીપાર્ટમેન્ટે વાયરસના કારણે ફક્ત 22,173ના મરણની ​​ગણતરી કરી હતી, એટલે કે ઓએનએસ રેકોર્ડ દ્વારા દેશના મૃત્યુની સંખ્યા 42 ટકા વધારે છે. તેને જોતા યુકેના કોરોનાવાયરસથી મૃત્યુ પામનારની સંખ્યા 45,000 થી પણ વધુ હોઇ શકે છે. ઓએનએસએ દર્શાવ્યું હતું કે કટોકટીમાં મૃત્યુ પામેલા તમામ લોકોમાંથી દર પાંચે એક વ્યક્તિ કેર હોમના રહેવાસી છે.

તા. 17 એપ્રિલ સુધીમાં ઇંગ્લેન્ડ અને વેલ્સની હોસ્પિટલોની બહારના કોવિડ-19ના કારણે 7,713 લોકો મૃત્યુ પામ્યા છે. આ સમયગાળા દરમિયાન હોસ્પિટલના મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 19,643 હતી. કેર હોમ્સમાં કુલ 5,890 લોકો, હેસ્પીસમાં 301 લોકો, પોતાના ખાનગી ઘરોમાં 1,306 લોકો અને 216 લોકો સાંપ્રદાયિક મથકો અને અન્ય સ્થળોએ મૃત્યુ પામ્યા હતા.

ગયા બુધવારે તા. 29ના રોજ સત્તાવાર મૃત્યુઆંકમાં હોસ્પિટલોની બહારના મૃત્યુ સહિતના અન્ય સ્થળે થયેલા મરણના આંકને નોંધવાની શરૂઆત થઇ હતી. ઓએનએસના આંકડાશાસ્ત્રી નિક સ્ટ્રાઇપે બીબીસીને જણાવ્યું હતું કે ‘વર્ષના આ સમયે અપેક્ષા કરતાં લગભગ ચાર ગણા વધુ મૃત્યુ નોંધાયા છે.’ જો કે ગઈકાલે, દૈનિક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, યુકેનો સત્તાવાર કોરોનાવાયરસ મૃત્યુનો આંક વધીને 28,734 પર પહોંચી ગયો હોવાનુ હેલ્થ સેક્રેટરીએ જણાવ્યુ હતુ.

મેટ હેનકોકે જણાવ્યું હતું કે હવે 190,584 લોકોએ કોરોનાવાયરસ માટે પોઝીટીવ જણાયા છે. તા. 4ના રોજ યુકેની હૉસ્પિટલોમાં 229 લોકોના મોત થયા હતા જે આંક પાંચ અઠવાડિયામાં સૌથી ઓછો આંક હતો. હોસ્પિટલમાં થયેલ મૃત્યુમાં ઇંગ્લેંડમાં 204, વેલ્સમાં 14, સ્કોટલેન્ડમાં 5 અને નોર્ધર્ન આયર્લેન્ડમાં 6 લોકોના મૃત્યુ નોંધાયા હતા.