ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીમાં 81 ઉમેદવારો વચ્ચે જંગ જામશે. આગામી 3જી નવેમ્બરના ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો અબડાસા, લિમડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા પર મતદાન યોજાશે. સોમવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવો અંતિમ દિવસ હતો અને કુલ 102 ઉમેદવારો પૈકી 21 ફોર્મ પરત ખેંચાયા હતા, જેને પગલે 81 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળશે.

મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી વિગતો મુજબ સોમવાર સાંજ સુધીમાં 21 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા હતા જેને પગલે 8 વિધાનસભા બેઠકો પર 81 ઉમેદવારો ચૂંટણી લડશે. લીંમડી બેઠક પર સૌથી વધુ 14 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે કપરાડા અનુસુચિત જનજાતિ (એસટી) બેઠક પરથી સૌથી ઓછા 4 ઉમેદવારો મેદાનમાં છે. મુખ્ય ચૂંટણી અધિકારીએ આપેલી માહિતી મુજબ મોરબી તેમજ ગઢડા વિધાનસભા બેઠક પરથી 12-12 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે તેમજ ધારીમાંથી 11, અબડાસામાંથી 10, કરજણ અને ડાંગમાંથી 9-9 ઉમેદવારો છે.