અમદાવાદમાં યોજાયેલા રામમંદિર નિર્માણ નિધિ સમર્પણ કાર્યક્રમમાં લવ જેહાદ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, વિધર્મીઓ શા માટે આપણા દીકરા-દીકરી પર નજર નાખે છે. આખી દુનિયામાં કોઈ દેશ એવો નથી કે જ્યાં ભારતીય નથી. ભારત વાળાને વિઝા આપવા જ પડે તેવું અમેરિકામાં થઇ ગયું છે. કેટલાક નબળી અને સંકુચિત માણસો વિચારે છે કે અમારા ધર્મ સિવાય કોઈ નહીં રહી શકે તે સાંભળી લે કે હિન્દૂ ધર્મ સનાતન રહેવાનો છે. જયારે જે શોભતું હોય તે જ શોભે હોળીના દિવસે કેમ કોઈ પતંગ નથી ચગાવાતું. ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને યાદ કરતા તેમણે કહ્યું હતું કે, નહેરૂજીએ કોઈ મંદિર ન બનાવ્યું. આથી બિનસાંપ્રદાયિકતાની વાતો કરવા ગયા તો ભૂંસાઈ ગયા ત્યારે સોમનાથ મંદિર બનાવી સરદાર પટેલ અમર થઇ ગયા છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, વિધર્મીઓ હિન્દૂ યુવતીઓને લોભ લાલચ આપી ફસાવી લગ્ન કરે છે. પછી મોટા પ્રમાણમાં આ છોકરીઓ નાસીપાસ થાય છે. આવું ન થાય તે જરૂરી છે. ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશ રાજ્યની જેમ લવ જેહાદ હેઠળ કરવામાં આવતા લગ્નો અટકાવવા માટે જે કાયદો બનાવાયો છે તેવો કાયદો ગુજરાતમાં પણ લાવવા અનેક સંગઠનો અને અગ્રણીઓ તરફથી સરકારને રજૂઆત મળી છે અને અમે તેની વિચારણા શરૂ કરી છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીમાં યોજાનારા વિધાનસભાના બજેટસત્ર દરમિયાન ગુજરાત સરકાર પણ લવ-જેહાદ સામે કાયદો લાવે એવા સંકેત નાયબ મુખ્યપ્રધાને આપ્યા છે.