હિન્દુ
બાંગ્લાદેશમાં દીપુ ચંદ્ર દાસની હત્યાના વિરોધમાં મંગળવારે કોલકાતામાં બાંગ્લાદેશ ડેપ્યુટી હાઈ કમિશન સુધી બંગિયા હિન્દુ જાગરણના સભ્યોએ એક રેલી કાઢી હતી. (ANI Photo)

બાંગ્લાદેશમાં કટ્ટરપંથીઓ દ્વારા હિન્દુ યુવકને જીવતો સળગાવી દેવાની ઘટનાની અમેરિકામાં ભારતીય મૂળના સાંસદોએ આકરી નિંદા કરી હતી તથા ધાર્મિક લઘુમતીઓનું રક્ષણ કરવા અને કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવાની બાંગ્લાદેશ સરકારને તાકીદ કરી હતી.

ઇલિનોઇસ ડેમોક્રેટ સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં એક હિન્દુ વ્યક્તિ દીપુ ચંદ્ર દાસની ટોળાએ કરેલી નિર્મમ હત્યાથી આઘાત લાગ્યો છે. અધિકારીઓએ કેટલાંક ગુનેગારોની ધરપકડોની જાણ કરી છે, પરંતુ બાંગ્લાદેશ સરકારે સંપૂર્ણ અને પારદર્શક તપાસને આગળ ધપાવવી જોઈએ અને કાયદા મુજબ તમામ જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવી જોઈએ. સરકારે હિન્દુ સમુદાય અને અન્ય ધાર્મિક લઘુમતીઓને વધુ હિંસાથી બચાવવા માટે તાત્કાલિક પગલાં લેવા જોઈએ. તમામ બાંગ્લાદેશીઓના હિત માટે આ અશાંતિનો અંત આવવો જોઈએ અને કાયદાનું શાસન જાળવી રાખવું જોઈએ.

ન્યૂ યોર્ક સ્ટેટના એસેમ્બલીવુમન જેનિફર રાજકુમારે જણાવ્યું હતું કે તેઓ બાંગ્લાદેશના હિન્દુ લઘુમતી વિરુદ્ધ ચાલી રહેલી હિંસાથી ખૂબ જ વ્યથિત છે. દાસનું ક્રૂર લિંચિંગ આનું વધુ એક ઉદાહરણ છે. એક ટોળાએ તેની સાથે મારપીટ કરી, તેને સળગાવી દીધો અને તેના શરીરને હાઇવે પર છોડી દીધું. અધિકારીઓએ આ ભયાનક ગુનાના સંબંધમાં બાર વ્યક્તિઓની ધરપકડ કરી હોવાનું કહેવાય છે. આ ઘટના બાંગ્લાદેશમાં ધાર્મિક લઘુમતીઓ સામે ધાર્મિક અત્યાચાર અને હિંસાની ચિંતાજનક પેટર્નનો એક ભાગ છે.

તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશ હિન્દુ બૌદ્ધ ખ્રિસ્તી એકતા પરિષદે ઓગસ્ટ 2024થી જુલાઈ 2025 દરમિયાન લઘુમતીઓ સામે હિંસાના 2,442 બનાવો અને 150થી વધુ મંદિરોમાં તોડફોડની નોંધ લીધી છે.

LEAVE A REPLY