પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મોરબી જિલ્લાના હળવદના ઔદ્યોગિક વસાહતમાં એક સોલ્ટ પેકેજિંગ ફેક્ટરીમાં બુધવાર (18મે)એ દીવાલ ધરાશાયી થવાથી ઓછામાં ઓછા 12 શ્રમિકોના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ બાદ દીવાલના કાટમાળ નીચે દટાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસ શરુ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં મોતને ભેટેલા લોકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે જ્યારે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ઘટનાની ગંભીરતાને જોતા મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના વારસદારોને રાજ્ય સરકાર તરફથી 4 લાખ રૂપિયા જ્યારે કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ રૂપિયા આપવાના જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેન્દ્ર સરકાર ઘાયલોને 50,000 રૂપિયાનું વળતર આપશે.

રાજ્યના શ્રમ અને રોજગાર પ્રધાન અને સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે હળવદ ઔદ્યોગિક વસાહતમાં આવેલી સાગર સોલ્ટ ફેક્ટરમાં આ દુઃખદ ઘટના બની હતી. ઓછામાં ઓછા 12 શ્રમિકોના મોત થયા છે અને દિવાળની કાટમાળ હેઠળ દટાયેલા શ્રમિકોને બચાવી લેવાની કામગીરી ચાલુ છે.

સોલ્ટ પેકેજિંગ ફેક્ટરીમાં 20-25 જેટલા શ્રમિકો મીઠાના પેકેજિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે હોનારત સર્જાઈ હતી અને ત્યારે એક દીવાલ ધરાશાયી થઈ હતી અને તે પછી ત્યાં મૂકેલા થેલા પણ પડ્યા હતા અને બધાની નીચે લગભગ 30 જેટલા શ્રમિકો દટાઈ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીમાં બનેલી ઘટનાને હૃદય કંપી જાય તેવી ગણાવી હતી, વડાપ્રધાને આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા આ દુર્ઘટનામાં પોતાના પરિવારને ગુમાવનારા લોકોને હિંમત મળે અને ઘાયલો જલદી સાજા થાય તેવી આશા વ્યક્ત કરી હતી તથા આ ઘટનાના અસરગ્રસ્તોને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા જરુરી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી હોવાનું પણ જણાવ્યું હતું.

દીવાલ કઈ રીતે ધરાશાયી થઈ તેનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ કામદારો આ દીવાલની નજીકમાં બેસીને મીઠાનું પેકિંગ કરી રહ્યા હતા ત્યારે અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ બાદ અહીં લોકોની ચીસો અને રોકકળથી કારખાનું ગુંજી ઉઠ્યું હતું.

આ ઘટના અંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ જાણ કરવામાં આવી હતી અને તેમણે ઘાયલોને તાત્કાલિક સારવાર મળે તેવી સુવિધા ઉભી કરવાનો આદેશ આપ્યો હતો. આ દુર્ઘટનાના મૃતકોમાં રમેશભાઈ નરસિંહભાઈ ખીરાણા, કાજલબેન જેશાભાઈ, દક્ષાબેન રમેશભાઈ કોળી, શ્યામભાઈ રમેશભાઈ કોળી, રમેશભાઈ મેઘાભાઈ કોળી, દિલાભાઈ રમેશભાઈ કોળી, દિપકભાઈ દિલીપભાઈ સોમાણી, મહેન્દ્રભાઈ, દિલીપભાઈ રમેશભાઈ, શીતબેન દિલીપભાઈ, રાજીબેન ડાયાભાઈ ભરવાડ, દેવીબેન ડાયાભાઈ ભરવાડનો સમાવેશ થાય છે.