ગેલોટ્રી ગેટ, લેસ્ટરમાં આવેલી HSBC બેન્કની ક્લોક ટાવર શાખામાં કસ્ટમર સર્વિસ મેનેજર તરીકે કામ કરતા હમઝા ઇસાકે 85 વર્ષીય ગ્રાહકના ખાતામાંથી £448,000 સહિત ત્રણ ગ્રાહકોના ખાતામાંથી કુલ £900,000થી વધુની રકમની ચોરી કરી હતી. HSBCની લંડન શાખામાં ખાતું ધરાવતા ગ્રાહકના ખાતામાં તેના સંપર્કની માહિતી બદલવા માટે તેને £5,000 ચૂકવવામાં આવ્યા હતા.

લેસ્ટરના હાઈફિલ્ડ વિસ્તારમાં એપોલો કોર્ટમાં રહેતા ઇસાકે તેની સામે તપાસ શરૂ થતા રાજીનામું આપી બ્રિટિશ ગેસમાં નોકરી શોધી લીધી હતી. તે લેસ્ટરમાં ડ્રાઇવિંગ કરતો હતો ત્યારે તેની BMW કારમાંથી ગાંજાના ધુમાડાની ગંધ આવતા પોલીસે ઇસાકની ધરપકડ કરી તપાસ કરાતા £500ની કિંમતનું કોકેઈન, £1,600 રોકડા, ગ્રાહકોના કોલની વિગતો સાથેના બે મોબાઈલ ફોન, ડીલર બેગ્સ, કટીંગ એજન્ટ અને ઈલેક્ટ્રોનિક સ્કેલ સહિતની અન્ય વસ્તુઓ મળી આવી હતી. તેના ઘરની તપાસ કરાતા તૂટેલી ટેઝર ગન મળી હતી. 28 વર્ષીય ઈસાકની પાછળથી બેંક છેતરપિંડીના મામલામાં ધરપકડ કરાઇ હતી.

હમઝા ઇસાકે 2016 અને 2018 વચ્ચે HSBCની લેસ્ટર શાખામાં કામ કરવા દરમિયાન લગભગ £900,000 ચોર્યા હતા. પૂછપરછમાં જણાયું હતું કે ઇસાકની મદદ અને જાણકારી થકી ત્રણ ગ્રાહકોના ખાતામાંથી ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અથવા બિલની ચુકવણી દ્વારા કુલ £896,645.05 અન્ય ખાતાઓમાં જમા કરવાયા હતા. ત્રણેય નાઈજીરીયન ગ્રાહકો યુકેમાં નાણાંકીય વ્યવહારો થયા ત્યારે તેમના વતનમાં હતા.

ભોગ બનેલ 85 વર્ષીય ગ્રાહક, જેઓ હાલમાં મરણ પામ્યા છે તેમને HSBCએ તમામ રકમ ચૂકવી આપી હતી. ઇસાકે સપ્લાય કરવાના ઇરાદા સાથે કોકેઇન રાખવાના, ત્રણ કોમ્પ્યુટરના દુરૂપયોગના ગુના અને પદનો દુરૂપયોગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ કબૂલતા તેને પાંચ વર્ષ અને આઠ મહિનાની જેલ કરવામાં આવી હતી.