શુક્રવારે સવારે સાડા પાંચ વાગે તેના દરેક દોષિતોને એક સાથે તિહાર જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા છે.16 ડિસેમ્બર 2012ની રાત્રે દિલ્હીમાં છ દોષિતોએ નિર્ભયા સાથે દુષ્કર્મ કર્યું હતું. એકે જેલમાં જ આત્મહત્યા કરી લીધી હતી, બીજો આરોપી સગીર હતો તેથી 3 વર્ષ પછી છૂટી ગયો. બાકી વધેલા ચાર- મુકેશ, અક્ષય, વિનય અને પવન તેમની મોતના 1.58 કલાક પહેલાં સુધી કાયદા સામે કરગરતા રહ્યા હતા. અંતે જીત નિર્ભયાની જ થઈ.

દરેક દુષ્કર્મીઓને નીચલી કોર્ટે 9 મહિનામાં જ ફાંસીની સજા આપી દીધી હતી. દિલ્હી હાઈકોર્ટે માત્ર 6 મહિનામાં જ નીચલી કોર્ટની સજાને મંજૂર કરી દીધી હતી. તેના 2 વર્ષ 2 મહિના પછી મે 2017માં સુપ્રીમ કોર્ટે પણ કહ્યું હતું કે ફાંસીની સજા થશે. તે પછી પણ બીજા 2 વર્ષ અને 10 મહિના પસાર થઈ ગયા. 4 વાર ડેથ વોરન્ટ જાહેર થયું અને અંતે આજે શુક્રવારે ફાંસી આપી દેવામાં આવી.

આ પહેલાં દોષિતોએ 15 કલાકમાં 6 અરજીઓ કરી હતી. શુક્રવારે સવારે સવા ત્રણ વાગ્યા સુધી હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને અંતે દરેક અરજી ફગાવી દેવામાં આવી હતી.સવારે 5 વાગ્યાથી તિહાર જેલમાં ફાંસીની છેલ્લી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. દુષ્કર્મીઓને ફાંસીના તખ્તા પર લઈ જવામાં આવ્યા હતા.
ચારેયના હાથ-પગ બાંધી દેવામાં આવ્યા હતા. વિનય રડવા લાગ્યો હતો.

ત્યારપછી દરેક દોષિતોના ચહેરા પર કાળુ કપડું પહેરાવી દેવામાં આવ્યું હતું અને ગળામાં ફંદો પહેરાવી દેવામાં આવ્યો હતો. સવારે એક્ઝેટ 5.30 વાગે જલ્લાદ પવને લીવર ખેંચ્યું….અને દેશને ન્યાય મળી ગયો. માત્ર 7 મિનિટમાં જ જેલ અધિકારીઓએ ચારેયને મૃત જાહેર કરી દીધા હતા. 30 મિનિટ પછી ડોક્ટોરે પણ દરેક દોષિતોને મૃત જાહેર કરી દીધા હતા.