નવી દિલ્હીમાં સાત જાન્યુઆરી 2010ના રોજ 10માં ઓટો એક્સ્પોમાં ફેટ બોય અને નાઇટ રોડ નામની બે સ્પેશ્યલ મોટરસાઇકલ રજૂ કરવામાં આવી હતી. (Getty Images)

અમેરિકાની જાણીતી બાઇક કંપની હાર્લી ડેવિડસને ભારતમાં તેની એકમાત્ર ફેક્ટરીને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ ૭.૫ કરોડ ડોલરના કપાતનું આયોજન કર્યું છે, તેના ભાગરુપે ભારતમાં ઉત્પાદન બંધ થશે. ભારતમાં તેને અપેક્ષા મુજબ બિઝનેસ પણ મળ્યો ન હતો. ભારતમાં આશરે એક દાયકાની હાજરીમાં હાર્લી ડેવિડસને આશરે 25,000 બાઇકનું વેચાણ કર્યું હતું.
જોકે તે ભારતની એક જાણીતી બ્રાન્ડ સાથે ભાગીદારી કરે તેવી શક્યતા છે. આ બ્રાન્ડ હીરો મોટોકોર્પ હોવાની શક્યતા છે. ભારત માટેની ભાવિ યોજના અંગે વિગત આપવાનો ઇનકાર કરતાં કંપનીએ જણાવ્યું હતું કે તે ભારતમાં બિઝનેસ મોડલમાં ફેરફાર કરી રહી છે અને ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવા વિવિધ વિકલ્પોની ચકાસણી કરી રહી છે.

હાર્લી ડેવિડસને ૨૦૦૯માં ભારતમાં યુનિટ શરુ કર્યું હતું. ૨૦૧૦માં ભારતમાં ઉત્પાદિત થયેલી પ્રથમ બાઈક માર્કેટમાં રજૂ કરી હતી. કંપનીનું મેડ ઈન ઈન્ડિયા સ્ટ્રીટ ૭૫૦ મોડેલ લોકપ્રિય થયું હતું. એપ્રિલથી જૂન સુધીમાં લોકડાઉનના કારણે કંપનીએ માત્ર ૧૦૦ મોટરસાઈકલ જ વેંચ્યા હતા.

આ ખોટને ભરપાઈ કરવા માટે કંપનીએ ધ રિવાયર સ્ટ્રેટેજી અમલમાં મૂકી હતી. તેના ભાગરૃપે કંપનીએ ભારતનું ઓપરેશન બંધ કરવાનું નક્કી કર્યું છે. એક વર્ષ સુધી આ સ્ટ્રેટેજી ચાલશે એ દરમિયાન ભારતમાં ઉત્પાદન અને વેચાણ કરાશે નહીં. એ પછી ફરીથી રિવ્યૂ થશે અને તે પછી ભાવિ પગલાં ભરાશે.

૨૦૨૦ના બીજા ક્વાર્ટરમાં હાર્લી ડેવિડસને દુનિયાભરમાંથી કુલ ૭૦૦ લોકોને છૂટા કર્યા હતા, એમાં ૫૦૦ કાયમી કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ભારતમાં હાર્લી ડેવિડસન કંપનીના બાઈકનો ભાવ ૪.૬૯ લાખ રૃપિયાથી લઈને ૧૮ લાખ રૃપિયા જેટલો હતો. ભારતમાં લગભગ ૭૦ જેટલાં કર્મચારીઓને આ નિર્ણયની અસર થશે.