કર્ણાટક સેંકડો મુસ્લિમ મહિલાઓ અને બીજા મુસ્લિમ સંગઠનોએ દવાનાગેરે શહેરમાં સોમવારે હિજાબની તરફેણમાં દેખાવો કર્યા હતા. (ANI Photo)

હિજાબ વિવાદની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઇકોર્ટે આ મુદ્દાનો ઉકેલ ન આવે ત્યાં સુધી શિક્ષણ સંસ્થાઓમાં વિદ્યાર્થીઓને એવા કોઇ કપડા ન પહેરવાની તાકીદ કરી હતી, કે જે લોકોમાં ઉશ્કેરણી ઊભી કરે.

આ મુદ્દાની સુનાવણી સોમવાર સુધી મોકૂફ રાખતા કોર્ટેની લાર્જર બેન્ચે જણાવ્યું હતું કે શિક્ષણ સંસ્થાઓ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ ફરી ચાલુ કરી શકે છે. હાઇકોર્ટના આ આદેશના પગલે કર્ણાટક સરકારે 14 ફેબ્રુઆરીથી ધોરણ 10 સુધીની સ્કૂલો ફરી ખોલવાનો નિર્ણય કર્યો હતો.

હિજાબ કેસની સુનાવણી કરવા બુધવારે ચીફ જસ્ટિસ રિતુરાજ અવસ્થી, જસ્ટિસ જે એમ ખાઝી અને જસ્ટિસ ક્રિષ્ના એસ દિક્ષિતની ત્રણ જજની ફુલ બેન્ચની રચના કરવામાં આવી હતી. બેન્ચે જણાવ્યું હતું કે તે આ મુદ્દાનો ઝડપથી ઉકેલ લાવવા માગે છે, પરંતુ ત્યાં સુધી શાંતિ અને સંવાદિતતા જળવાઈ રહેવી જોઇએ. ચીફ જસ્ટિસ અવસ્થીએ જણાવ્યું હતું કે આ કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી તમારે લોકોએ આવા તમામ ધાર્મિક વસ્ત્રો પહેરવાનો આગ્રહ ન રાખવો જોઇએ. અમે આદેશ જારી કરીશું. સ્કૂલો અને કોલેજો ચાલુ થવા દો. પરંતુ કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધી કોઇ વિદ્યાર્થી ધાર્મિક પહેરવેશ પહેરવાનો આગ્રહ ન કરે.

જોકે પિટિશનર્સના વકીલ દેવદત્ત કામતે કોર્ટને તેમના એવા વાંધાની વિચારણા કરવા વિનંતી કરી હતી કે આવા આદેશથી કલમ 25 હેઠળના અસીલના બંધારણીય હકનું પાલન થતું નથી. આ આદેશ તેમના હકોના સંપૂર્ણ અનાદર સમાન છે. આના જવાબમાં ચીફ જસ્ટિસે જણાવ્યું હતું કે આ વ્યવસ્થા કેસનો ઉકેલ ન આવે ત્યાં સુધીના માત્ર થોડા દિવસો માટે છે. તમારે સહકાર આપવો જોઇએ.

બુધવારે જસ્ટિસ દિક્ષિતની સિંગલ બેન્ચે હિજાબ વિવાદના કેસને લાર્જર બેન્ચને રિફર કર્યો હતો. કર્ણાટકમાં ડિસેમ્બરના અંતમાં હિજાબ વિવાદ ઊભો થયો હતો. તે સમયે ઉડીપીમાં કેટલીક મુસ્લિમ યુવતીઓ હિજાબ પહેરીને આવી હતી. તેના વિરોધમાં હિન્દુ વિદ્યાર્થીઓએ ભગવા ખેંચ પહેરવાનું ચાલુ કર્યું હતું.