ઈંગ્લેન્ડમાં સરકારી ભંડોળના આધારે કાર્યરત આરોગ્ય તંત્રના હજારો ડોક્ટરોએ પગાર વધારા મુદ્દે શુક્રવાર (25 જુલાઈ) થી પાંચ દિવસની હડતાળ શરૂ કરી છે. આ અંગે સરકારે કહ્યું હતું કે, દેશભરમાં હડતાળથી આરોગ્ય વ્યવસ્થા ખોરવાશે. રેસિડેન્ટ ડોકટરો તેમની કારકિર્દીના શરૂઆતના તબક્કામાં હોસ્પિટલ અને ક્લિનિક વ્યવસ્થાનો મુખ્ય હિસ્સો હોય છે. તેઓ પગાર મુદ્દે સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગયા પછી હોસ્પિટલોની બહાર ધરણા કરવા લાગ્યા હતા.  આ હડતાળ વિશે નેશનલ હેલ્થ સર્વિસના સત્તાધિશોએ જણાવ્યું હતું કે, ઇમરજન્સી વિભાગો કાર્યરત રહેશે. હોસ્પિટલ્સ અને ક્લિનિક્સમાં શક્ય તેટલી વધુ કામગીરી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે.
ડોક્ટરોના યુનિયન- બ્રિટિશ મેડિકલ એસોસિએશનના જણાવ્યા મુજબ, તેઓ 2008થી પગારમાં 20 ટકાના ઘટાડાની ભરપાઈ કરવા માટે વેતન વધારાની માગણી કરી રહ્યા છે. યુનિયનની રેસિડેન્ટ ડોકટર્સ કમિટીનાં વડાં ડો. મેલિસા રાયન અને ડો. રોસ નીયુવૂડે જણાવ્યું હતું કે, ‘પગારમાં ઘટાડો હવે એ સ્તરે પહોંચી ગયો છે જ્યાં ડોક્ટરના સહાયકોને રેસિડેન્ટ ડોક્ટર કરતાં 30 ટકા વધુ આપી શકાય છે.’ આ વિશે સરકારે કહ્યું હતું કે, ડોકટરોને સરેરાશ 28.9 ટકાનો વધારો મળ્યો છે અને હવે તેનાથી વધુ અપાશે નહીં, પરંતુ સરકાર કામની શરતો અંગે ચર્ચા કરવા તૈયાર છે. વડાપ્રધાન કીર સ્ટાર્મરે ડોકટરોને કામ પર ફરીથી જોડાવા વિનંતી કરી હતી.

LEAVE A REPLY