સાઉથ આફ્રિકાના નવા કોરોના વેરિઅન્ટને કારણે વિશ્વભરમાં ચિંતા પ્રસરી છે. આ સ્થિતિમાં ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ઉચ્ચ અધિકારીઓ સાથે એક વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી. જેમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, પીએમઓના અગ્ર સચિવ પી. કે. મિશ્રા, કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડો. વી.કે. પૌલ સામેલ હતા. સાઉથ આફ્રિકાની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ ઈન્ફેક્શન ડિસીઝે કહ્યું- દેશમાં અત્યાર સુધીમાં આ વેરિઅન્ટના 22 કેસ જોવા મળ્યા છે. વૈજ્ઞાનિકોએ તેનો વેરિઅન્ટ ઓફ સીરિયસ કન્સર્નમાં સમાવેશ કર્યો છે.
આ મીટિંગ એવા સમયે મળી હતી, જ્યારે વિવિધ રાજ્યોની સ્કૂલ-કોલેજોમાં કોરોનાનું સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે. કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, ઓડિશા સહિત રાજ્યોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોનાના સંક્રમણનો ભોગ બન્યા છે.PM મોદીની બેઠક અગાઉ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે અપીલ કરી હતી કે, કોરોનાના નવા વેરિઅન્ટથી અસરગ્રસ્ત દેશોની ફ્લાઇટ પર પ્રતિબંધ મુકવામાં આવે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, આપણે કોરોનાના નવા વેરિઅન્ટને ભારતમાં પ્રવેશતા અટકાવવા માટે જરૂરી પગલાં ઉઠાવવા જોઈએ.
ભારત સરકારે વિવિધ એરપોર્ટ અને રાજ્યોને વિશેષ તકેદારી રાખવા સૂચના આપી છે. રાજ્યોને જણાવવામાં આવ્યું છે કે તેઓ સાઉથ આફ્રિકા, હોંગકોંગ, બોત્સવાના અને ઇઝરાયેલથી આવતા પ્રવાસીઓની સંપૂર્ણ તપાસ કરે. કોઈપણ પ્રકારની જરા પણ બેદરકારી ન રાખવામાં આવે.