ભારતના રસ્તાઓ પર રખડતા પ્રાણીઓની સંખ્યા અંગે તાજેતરમાં એક રસપ્રદ રીપોર્ટ જાહેર થયો છે.આ પ્રથમ સ્ટેટ પેટ હોમલેસનેસ ઈન્ડેક્સ રીપોર્ટમાં એવું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે ભારતમાં 8 કરોડથી વધુ બિલાડી, શ્વાન જેવા પ્રાણીઓ રસ્તા પર ફરી રહ્યા છે. ઈન્ડેક્સમાં ભારતને 10માંથી ફક્ત 2.4 પોઇન્ટ મળ્યા છે.
ભારતને મળેલું ઓછું રેટિંગ દર્શાવે છે કે, દેશમાં પાલતું બેઘર પ્રાણીઓના પડકારોને દૂર કરવા માટે વધુ પ્રયાસ જરૂરી છે. ભારતને આટલું ઓછું રેટિંગ મળ્યું તેના મૂળ કારણમાં અપેક્ષાકૃત પશુ નસબંધી ઓછી અને વેક્સીનેશન પણ ઓછું, રેબીજ સહિત કેનાઈન રોગોનું પ્રમાણ વધુ, એક પાલતું પ્રાણી રાખવાનો વધુ ખર્ચ અને પશુ કલ્યાણ પર મજબૂત કાયદા ન હોવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પાલતુ પ્રાણી રાખનાર 50 ટકા લોકોએ માન્યું છે કે તેમણે ઓછામાં ઓછું એક પાલતું પ્રાણીને રોડ પર છોડી દીધું છે.
માર્સ પેટકેયર ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર ગણેશ રમાનીએ કહ્યું કે, અત્યાર સુધી વિશ્વભરમાં બેઘર રખડતા શ્વાન અને બિલાડીઓની નોંધણી રાખવાની કોઈ પદ્ધતિ નથી. પ્રથમવાર આ પ્રકારનો ઈન્ડેક્સ જાહેર કરવામાં આવ્યો છે. ઇપીએચ ઈન્ડેક્સના આંકડા અનુસાર, ભારતમાં 82 ટકા શ્વાનને સ્ટ્રીટ ડોગ માનવામાં આવે છે અને 53 ટકા લોકો માને છે કે સ્ટ્રીટ ડોગ લોકો માટે જોખમી છે. 65 ટકા લોકો શ્વાનના કરડવાથી ડરે છે અને 82 ટકા લોકોનું માનવું છે કે રખડતા શ્વાનને હટાવવા જોઈએ અને તેમને શેલ્ટર્સમાં રાખવા જોઈએ.