ઓપનર સ્મૃતિ મંધાનાની લડાયક અડધી સદી પણ ભારતને વિજયની મંઝિલ સુધી લઈ જઈ શકી નહોતી અને ગયા સપ્તાહે મેલબોર્નમાં રમાયેલી મહિલાઓની ત્રિકોણિયા ટી-20 ક્રિકેટની ફાઈનલમાં ભારત સામે ઓસ્ટ્રેલિયાનો 11 રને વિજય થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 155 રન કર્યા હતા, જેમાં ઓપનર બેથ મૂનીનો 54 બોલમાં 71 રનનો ફાળો મુખ્ય હતો. તે પ્લેયર ઓફ ધી ટુર્નામેન્ટ એવોર્ડ લઈ ગઈ હતી. તેણે રશેલ હેન્સની સાથે છેલ્લી ઓવરમાં પણ 19 રન કરી ટીમનો સ્કોર 155 સુધી પહોંચડવામાં સૌથી પ્રદાન કર્યું હતું.
જવાબમાં ભારત માટે એક તબક્કે વિજય ખાસ પડકારજનક નહોતો લાગતો, 15મી ઓવરમાં ટીમનો સ્કોર ફક્ત ત્રણ વિકેટે 115 હતો, પણ એ પછી ડાબોડી સ્પિનર જોનાસને 4 ઓવરમાં ફક્ત 12 રન આપી પાંચ વિકેટ ખેરવી બાજી બદલી નાખી હતી. સ્મૃતિ ઉપરાંત ભારત માટે પ્રથમ મેચ રમી રહેલી રુચા ઘોષે 23 બોલમાં 17 રન કર્યા હતા.