તાઉ-તે વાવાઝોડાને પગલે 17મે 2021ના રોજ નેશનલ ડિઝાસ્ટાર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ)ના જવાનોને ગુજરાતના વેરાવળ ખાતે ગોઠવવામાં આવ્યા હતા. REUTERS/Amit Dave

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉતે’ વાવાઝોડું સોમવારે, 17મેની મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડાથી ગુજરાતમાં 13 માણસોના મોત નિપજ્યા હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું. રાજ્યભરમાં તોફાની વરસાદ પડ્યો હતો, તો ઠેર ઠેર વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવા તેમજ મકાનોના છાપરાં ઉડી જવાની ઘટનાઓ બની હતી. રાજ્યભરમાંથી આશરે બે લાખ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. વાપી, રાજકોટ અને ગરિયાધારમાં એક-એક વ્યક્તિનું તેમજ ઉનામાં બે તથા આણંદમાં એક બાળકીનું મોત થયું હોવાના સમાચાર છે. તેની અસર હેઠળ બીજા દિવસે મંગળવારે પણ ઠેરઠેર તોફાની પવન ફૂંકાયો હતો, વ્યાપક વરસાદ પડ્યો હતો.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે વાવાઝોડુ 17 મેની મધરાત્રે દિવ અને ઉના વચ્ચે દરિયાકાંઠા પર ત્રાટક્યું હતું. એક્સટ્રીમલી સિવિયર સાઇક્લોનિક સ્ટોમ તરીકે તે ગુજરાતના દરિયાકાંઠા પસાર થયા બાદ નબળું પડ્યું હતું. મંગળવારની સવારે તે સૌરાષ્ટ્રના અમરેલી નજીક હતું અને તે સમયે તેની કેટેગરી વેરી સિવિયર સાઇક્લોનિક સ્ટોર્મ તરીકેની હતી. વાવાઝોડુ ઉત્તર ગુજરાત તરફ આગળ વધવાની શક્યતા છે. સુરેન્દ્રનગર જિલ્લાને પાર કરીને તે બનાસકાંઠા તરફ જશે.

બે લાખ લોકોનું સ્થળાંતર

સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના અધિકારીઓના જણાવ્યા અનુસાર ભાવનગર, રાજકોટ, પાટણ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને પવનને કારણે દિવાલો ધસી પડવાથી ત્રણ વ્યક્તિના મોત થયા હતા. સોમવારની રાત્રે પાટણમાં વીજળીનો થાંભલો પડવાથી એક મહિલાનું મોત થયું હતું.
વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ મંગળવારે સવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં વાવાઝોડાના કારણે 1,081 વીજથાંભલા અને 40,000 વૃક્ષો ધરાશાયી થયા હતા તથા 16,500 મકાનોને નુકસાન થયું હતું. રાજ્યના 35 તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. તેમા સૌથી વધુ વધુ વરસાદ બગસરામાં નવ ઈંચ પડ્યો હતો. આશરે 160 રોડ ધોવાઈ ગયા હતા.16 હોસ્પિટલમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. સાબરમતી નદીમાં પાણીનું સ્તર ઘટાડવા માટે વાસણ બેરેજને બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. અમદાવાદમાં અનેક સ્થળે વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી તો કેટલીક જગ્યાઓએ જર્જરિત મકાનો પણ ધરાશાયી થયા હતા. આ ઉપરાંત અનેક જગ્યાઓએ પાણી પણ ભરાઈ ગયા હતા. ભારે વરસાદને અને પવનને કારણે વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદ નજીક સાણંદ-બાવળા રોડ પર વીજ વાયર પડતાં ભાઈ-બહેનનાં કરુણ મોત નિપજ્યા હોવાના અહેવાલો છે.
વાવાઝોડાનાં કારણે અમદાવાદ અને સૂરતના એરપોર્ટ બંધ કરાયા હતા. ઉમરગામથી મહારાષ્ટ્ર સુધીનો કોસ્ટલ હાઇવે પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. રાજ્યના 1000થી વધુ ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. સંખ્યાબંધ ગામો સંપર્કવિહોણા પણ બન્યા હતા ગીર સોમનાથ, વેરાવળ, ભાવનગર, અમરેલી, બોટાદ, રાજકોટ, વલસાડ વગેરે વિસ્તારોમાં વાવાઝોડાંની વધારે અસર થઇ હતી. દીવમાં અંધારપટ ફેલાયો હતો. દીવ શહેરમાં બસસ્ટેન્ડ, બંદર ચોક સહિતનાં વિસ્તારમાં દરિયાના પાણી ઘૂસ્યાં હતા.

રાજ્યભરમાં ધોધમાર વરસાદ

જૂનાગઢના પ્રવેશદ્વાર પર રાખવામાં આવેલ સિંહની પ્રતિમા ભારે પવનના કારણે નીચે પડી ગઈ હતી. ભારે વરસાદને પગલે દરિયાકાંઠાના ગામોમાં પાણી ભરાયા હતા. જેમા કોટડા,માઢવાડ બંદર બેટમાં ફેરવાયા હતા. ગીરપંથક માં કેસર કેરી અને નાળિયેરી વૃક્ષઓનો સોથ બોલી જતાં કેરી અને નાળિયેરી પાક ને વ્યાપક નુકસાન થયું હતું.
તાઉ-તે વાવાઝોડાથી સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો દમણ-દીવ હતા. વાવાઝોડું આવ્યું એ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો, વાવાઝોડાંગ્રસ્ત વિસ્તારોના અધિકારીઓની સાથે ઓનલાઇન મીટીંગ કરી હતી.
વાવાઝોડાને પગલે વેરાવળ-જાફરાબાદ બંદર પર ૧૦ નંબરનું સિગ્નલ લગાવાયું હતું. વાવાઝોડા અને ત્યારબાદના ભારે વરસાદની જ્યાં સૌથી વધુ અસર થવાની છે તેવા ૧૭ જિલ્લામાંથી ૧ લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં એનડીઆરએફની ૪૪ ટીમો તૈનાત કરી દેવાઇ હતી. આ ઉપરાંત એરફોર્સને પણ સ્ટેન્ડ બાયમાં રાખી દેવામાં આવ્યું હતું.
‘તાઉ તે’ વાવાઝોડું ત્રાટકતાં દરિયાકાંઠાની આસપાસના વિસ્તારોમાં ૧૫૦થી ૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. વાવાઝોડાને પગલે દરિયો ગાંડોતૂર થયો હતો અને દરિયામાં ૩ મીટર ઊંચા ઓછા મોજા ઉછળ્યા હતા. વલસાડ જિલ્લાના દરિયા કિનારા પર પણ તોફાની માહોલ જોવા મળ્યો હતો. દરિયામાં રાત્રે પણ કરંટ હતો અને દરિયા કિનારા આસપાસના વિસ્તારોમાં આવેલા કાચા મકાનોની છત ઉડી હતી.
‘તાઉ તે’ વાવાઝોડાની અસર ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા શામગહાન, ગલકુંડ, સુબીર, આહવા, વઘઇ, કાલીબેલ,ગારખડી જેવા સરહદીય વિસ્તારમાં જોવા મળી હતી. આ ‘તાઉ તે’ વાવાઝોડાને લઇ વહેલી સવારથી જ સમ્રગ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો
ગુજરાતમાં પ્રવેશતા પહેલા આ વાવાઝોડાની મહારાષ્ટ્રમાં વ્યાપક અસર જોવા મળી હતી. આ પ્રચંડ વાવાઝોડાંના કારણે કોંકણ વિસ્તારમાં 6 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે 3 નાવિકો પણ ગુમ થયા હતા. મરનારાઓમાં કેટલાક એ લોકો પણ સામેલ છે જેમણે વાવાઝોડાની વચ્ચે વૃક્ષો પડવાથી પોતાનો જીવ ગુમાવ્યો છે. મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક શહેરો દરમિયાન વૃક્ષો, બોર્ડ, થાંભલાઓ પડવાની ફરિયાદો આવી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.