બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ 2023માં મેચ બાદ ભારતના ખેલાડીઓ ન્યુઝીલેન્ડના ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે. (ANI Photo)

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે વિશ્વકપ 2023ની પ્રથમ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે 70 રને વિજય મેળવીને ભારતે વિશ્વકપની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. વિરાટ કોહલીની ઐતિહાસિક સદી અને શ્રેયસ અય્યરની સદીના આધારે ભારતે ન્યૂઝીલેન્ડને 398 રનનો જંગી ટાર્ગેટ આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને 397 રન બનાવ્યા હતાં. આ ટાર્ગેટનો પીછો કરતાં ન્યૂઝીલેન્ડની ટીમ 48.5 ઓવરમાં 327 રને ઓલઆઉટ થઈ ગઈ હતી.
હવે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે બીજી સેમી ફાઈનલ રમાશે. આ મેચની વિજેતા ટીમ સામે ભારત 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચ રમાશે.

ભારત તરફથી બોલિંગમાં શામીએ 57 રન આપીને સાત વિકેટ લીધી હતી. આ વર્લ્ડકપમાં શામીએ છઠ્ઠી વખત પાંચ વિકેટ લીધી હતી.

ભારત તરફથી વિરાટ કોહલીએ 113 બોલમાં 117 રન કર્યા હતા. તેને પોતાની ODI કારકિર્દીની વિક્રમજનક 50મી સદી ફટકારી હતી. તે વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટર બની ગયો હતો. વિરાટે સચિન તેંડુલકરનો 49 સદીનો રેકોર્ડ તોડ્યો હતો. બીજી તરફ શ્રેયસ અય્યરે 70 બોલમાં 105 રન બનાવ્યા હતાં. અય્યરે વર્લ્ડ કપમાં સતત બીજી સદી ફટકારી હતી. શુભમન ગિલે 66 બોલમાં 80 રન અને કેપ્ટન રોહિત શર્માએ 29 બોલમાં 47 રન બનાવ્યા હતાં. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ 3 વિકેટ ઝડપી હતી.

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. ભારતના ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલે ધુંઆધાર શરૂઆત કરી હતી. ભારતે 30 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 219 રન કર્યા હતા. રોહિત શર્મા એક ઉંચો ફટકો લગાવવાના પ્રયાસમાં આઉટ થઈ ગયો હતો. તે પહેલાં તેણે 29 બોલમાં 47 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલી કરિયરની 72મી અડધી સદી પૂરી કરી કરી હતી. વિરાટની આ ટુર્નામેન્ટમાં આઠમી અડધી સદી પણ છે.

અગાઉ શુભમન ગિલ 65 બોલમાં 79 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. તેના પગમાં ક્રેમ્પ છે. ગિલે આ વર્લ્ડ કપમાં તેની ચોથી અડધી સદી પૂરી કરી હતી.

રોહિત શર્માએ ન્યૂઝિલેન્ડના બોલરેની ધોલાઈ કરવાનો નિર્ણય લીધો હોય તેમ 29 બોલમાં ચાર બાઉન્ડ્રી અને ચાર સિક્સર ફટકારી હતી. ભારતે રોહિતની વિકેટ ગુમાવી ત્યારે મોટો ફટકો પડ્યો હતો અને તેના કારણે રન બનાવવાની ગતિમાં ઘટાડો થયો હતો. રોહિત તેની 56મી અર્ધસદી બનાવે તેનાથી ત્રણ રન અગાઉ જ આઉટ થઈ ગયો હતો. રોહિત શર્માએ વર્લ્ડ કપમાં તેની 50મી સિક્સર ફટકારી હતી જે વર્લ્ડ કપના ઈતિહાસમાં એક રેકોર્ડ છે. અગાઉ ક્રિસ ગેલે વર્લ્ડકપમાં 49 સિક્સરનો રેકોર્ડ બનાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાએ આ વખતે વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ સેમીફાઈનલથી મેનચેસ્ટરમાં 2019 વર્લ્ડકપમાં કીવી ટીમથી મળેલી હારનો બદલો લીધો હતો. હવે ભારતીય ટીમ ત્રીજી વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનવાથી એક જીત દૂર છે.

LEAVE A REPLY