Getty Images)

દેશમાં દૈનિક સ્તરે રેકોર્ડ બ્રેક વધી રહેલા કોરોના સંક્રમણના કેસો અને IMA દ્વારા આપવામાં આવેલી કોમ્યુનિટી ટ્રાન્સમિશનની ચેતવણી વચ્ચે સરકાર રિકવરી રેટ વધવાનો અને મૃત્યુદર અન્ય દેશોની સરખામણીએ સૌથી ઓછો હોવાનો દાવો કરી રહી છે.

વર્તમાન સ્થિતિ અંગે માહિતી આપતા સ્વાસ્થ મંત્રાલયનું કહેવુ છે કે ભારતમાં અસરકારક કન્ટેનમેન્ટ સ્ટ્રેટજી, ટેસ્ટિંગ અને સારામાં સારી ક્લીનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલના લીધે મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો આવી રહ્યો છે અને રિકવરી રેટમાં સતત સુધારો આવી રહ્યો છે.

સ્વાસ્થ મંત્રાલય મુજબ હાલમાં ભારતમાં મૃત્યુદર 2.49 ટકા છે જે દુનિયામાં સૌથી ઓછું પ્રમાણ છે. જ્યારે રિકવરી રેટ વધીને 62.86 ટકા થયો છે. બીજી તરફ દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો નોંધાયો છે, વિતેલા 24 કલાકમાં અહીં 38,902 નવા કેસ સામે આવ્યા છે.

આ આંકડો દૈનિક સ્તરે અત્યાર સુધીનો સૌથી વધુ આંક છે. આ સમયમાં અન્ય 543 દર્દીઓના મોત થયા છે. રવિવાર ભારતમાં કુલ દર્દીઓનો આંકડો વધીને 10,77,618 થયો હતો અને કુલ મૃત્યુઆંક 26,816. ભારતમાં હાલમાં 3.73,379 સક્રિય કેસ સારવાર હેઠળ છે અને અત્યાર સુધી 6,77,423 દર્દીઓ સારવાર મેળવી સ્વસ્થ થયા છે.

સ્વાસ્થ મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ મુજબ 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 2 ટકાથી ઓછો છે જેમાં 19 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 1 ટકાથી પણ ઓછુ છે. જ્યારે 8 રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં મૃત્યુદર 2 ટકાથી ઓછો છે. એક ટકાથી ઓછા મૃત્યુદરવાળા રાજ્યો પૈકી પાંચ રાજ્યો એવા છે જ્યાં મૃત્યુદર નહિવત છે. આ રાજ્યોમાં મણિપુર, નગાલેન્ડ, સિક્કિમ, મિઝોરમ અને અંડમાન-નિકોબાર દ્રીપ સામેલ છે.

આ સિવાય ઉત્તરાખંડ, આંધ્ર પ્રદેશ, હરિયાણા, તમિલનાડૂ, પૂડુચેરી, ચંદીગઢ, જમ્મિ-કાશ્મીર અને રાજસ્થાન એવા રાજ્યોમાં સામેલ છે જ્યાં મૃત્યુદર 2 ટકાથી ઓછુ છે. કોરોના મહામારી સામે ભારત સરકારે 3 ટીની પોલિસી તૈયાર કરી છે જેમાં ટેસ્ટિંગ, ટ્રેસિંગ અને ટ્રીટમેન્ટના તબક્કા છે. આ માટે ટેસ્ટિંગ આંકડો સતત વધીને 1,37,91,869 પર પહોંચ્યો છે.