કોરોના વાઈરસના કેરથી બેહાલ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે એવી ગર્ભિત ધમકી આપી હતી કે ભારત હાઇડ્રોક્સિક્લોરોક્વીન (hydroxychloroquine) દવાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવશે નહીં તો તેઓ અમેરિકા તેની સામે વળતા પગલાં લેવા સુધીની સ્થિતિ ઉભી થઈ શકે છે. હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ કોરોના વાઈરસથી ચેપગ્રસ્ત દર્દીઓની સારવારમાં કરાઇ રહ્યો છે.

ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે અગાઉ આ દવા માટે મદદ માંગી હતી.વાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે ભારતનો અમેરિકા સાથેનો વ્યવહાર ખૂબ સારો રહ્યો છે અને હું સમજું છું કે અમેરિકાએ આપેલા દવાના ઓર્ડર પછી ભારત નિકસા ઉપરનો પ્રતિબંધ હટાવશે નહીં એવું માનવાનું કોઈ કારણ નથી.

ટ્રમ્પે કહ્યું કે મેં એ કયારેય સાંભળ્યું નથી કે આ (પ્રતિબંધનો) નિર્ણય તેમનો (વડાપ્રધાન નરેન્દ્ર મોદી) હતો. હું જાણું છું કે તેમણે આ દવાની બીજા દેશોમાં નિકાસ માટે પ્રતિબંધ મૂકયો છે. મેં ગઇકાલે (રવિવારે) તેમની સાથે વાત કરી હતી. અમારી વાતચીત ખૂબ સારી રહી. ભારતે અમેરિકાની સાથો ખૂબ સારો વ્યવહાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદીની સાથે તાજેતરમાં ફોન કોલ દરમ્યાન ભારતીય વડાપ્રધાને કહ્યું હતું કે તેઓ આ દવા અમેરિકાને આપવા વિષે વિચાર કરશે. પરંતુ જો તેઓ દવા અમેરિકાને આપવાની મંજૂરી નહીં આપે તો ઠીક છે પરંતુ ચોક્કસ વળતા પગલાં અમેરિકા લઈ શકે છે અને શું આમ ના થવું જોઇએ?

ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકાની વચ્ચે સારા વ્યાપારી સંબંધ છે અને સંકેત આપી દીધા છે કે ભારતે દવાની નિકાસ પરથી પ્રતિબંધ હટાવ્યો નથી તો અમે વળતા પગલાં લઈ શકીએ છીએ. એ પહેલાં ટ્રમ્પે મોદી સાથે વાત કરી કોરોના સામે લડવા માટે સહયોગની માંગણી કરી હતી. મેલેરિયા જેવી ખતરનાક બીમારી સામે લડવામાં હાઇડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ કારગર નીવડી છે.

આ દવા પર ટ્રમ્પ આટલો ભાર મુકે છે એનું કારણ છે કે એક રીસર્ચમાં જણાયું છે કે હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા કોરોના વાયરસ સામે લડવામાં મદદરૂપ છે અને આ દવા દુનિયામાં સૌથી વધુ ભારતમાં જ બને છે. પરંતુ ભારતમાં વધતા કોરોના વાઈરસના સંકટને ધ્યાનમાં લેતા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.