(ANI Photo)

મુંબઇમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતની ટીમે ન્યૂઝીલેન્ડને 372 રનના વિશાળ માર્જિનથી હરાવવાની સાથે જ આઈસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ તેને હરાવ્યું છે. વિરાટ કોહલીની આગેવાની હેઠળની ટીમ ફરી એકવાર ટેસ્ટ રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે. આ વર્ષે જૂનમાં કિવી ટીમે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ટાઈટલ મેચમાં જીત સાથે ભારતને પાછળ છોડી દીધું હતું.

ભારતીય ટીમના 28 મેચમાં 124 રેટિંગ પોઈન્ટ છે, જ્યારે ન્યૂઝીલેન્ડને શ્રેણીમાં ખરાબ પ્રદર્શનની કિંમત ચૂકવવી પડી છે. તેના 25 મેચમાં 121 પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા ત્રીજા નંબર પર છે. તેના 108 પોઈન્ટ છે, જ્યારે ચોથા નંબરે ઈંગ્લેન્ડ 107 પોઇન્ટ સાથે છે. પાકિસ્તાન 92 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર છે.

બીજી ટેસ્ટ મેચની વાત કરીએ તો, 540 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ 56.3 ઓવરમાં 167 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે શ્રેણીની બીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 372 રને શ્રેણી જીતી લીધી. બીજી પારીમાં ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ 7 વિકેટના નુકસાન પર 267 રન બનાવી પારી સમાપ્ત કરી હતી અને ન્યૂઝીલેન્ડની ટીમને જીતવા માટે 540 રનની જરૂર હતી.

આના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ દસ વિકેટે 167 રન જ બનાવી શકી હતી. ભારતીય બોલર આર અશ્વિને 22.3 ઓવરમાં ચાર વિકેટ, જયંત યાદવે 14 ઓવરમાં ચાર અને અક્ષર પટેલે ઇનિંગમાં એક વિકેટ લીધી હતી.