ભારતમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સવારે ધ્વજવંદન કરવામાં આવે છે અને બપોરે ટીવી પર બોર્ડર, એલઓસી કારગિલ, તિરંગા કે ક્રાંતિવીર જેવી ફિલ્મો દર્શાવવામાં આવતી હોય છે. આ તમામ ફિલ્મોને દર્શકોએ ખૂબ આવકારી હતી. આ ઉપરાંત ‘ઉરી’ સહિતની નવી ફિલ્મો પણ ઘણી લોકપ્રિય થઈ હતી. હવે બોલીવૂડમાં આવી એક્શન, ઇમોશન અને દેશભક્તિભરી યુદ્ધ આધારિત ફિલ્મોનો સમય ફરીથી શરૂ થઈ રહ્યો છે. એક પછી એક ચાર ફિલ્મ રિલીઝ થઈ રહી છે.
120 બહાદુર
રેંઝિંગલાની લડત પર આધારિત આ ફિલ્મમાં 1962ના સાઇનો ઇન્ડિયન (ઇન્ડો-ચીન)યુદ્ધ કેન્દ્રમાં છે. 18 નવેમ્બર, 1962ના દિવસે 13 કુમાઓં રેજિમેન્ટની ચાર્લી કંપનીના 120 આહિર સમાજના સૈનિકોએ બહાદુરીપૂર્વક લડીને 3000 સેનિકોની ચાઇનિઝ સેનાનો સામનો કર્યો હતો. અતિશય મુશ્કેલીઓ અને પડકારજનક સ્થિતિ હોવા છતાં તેમણે 3000માંથી ચીની સૈન્યના લગભગ 1300 સૈનિકોનો ખાતમો બોલાવ્યો હતો. તેમની આ ઐતિહાસિક લડત એક મહત્વની ઘટના બની ગઈ છે. તેમાં મેજર શૈતાનસિંહ ભાટીની અસામાન્ય લડત દર્શાવવામાં આવી છે. તેમને રેઝિંગલાની લડતમાં આગેવાની લેવા બદલ મરણોપરાંત મિલિટરીનું સર્વોચ્ચ સન્માન પરમ વીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં મેજર શૈતાન સિંહનો રોલ ફરહાન અખ્તર કરી રહ્યો છે, તેની સાથે રાશિ ખન્ના પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 21 નવેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ કંવારી સિંઘ અને રઝનીશ ઘાઈ દ્વારા દિગ્દર્શિત છે.
બોર્ડર 2
જાણીતા ફિલ્મકાર જે.પી.દત્તાની 1997ની ખૂબ જ લોકપ્રિય ફિલ્મ ‘બોર્ડર’ની સીક્વલ ‘બોર્ડર 2’ 1971ના ભારત–પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. જેમાં ભારતીય સેનાના વિવિધ સૈનિકોની વાર્તાઓ છે. મૂળ બોર્ડર ફિલ્મ લોંગેવાલાની લડત કેન્દ્રિત હતી. જ્યારે હવે તેની સીક્વલમાં ભારતીય સેનાની નેવી અને એરફોર્સનેની ઘટનાઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં સની દેઓલ, વરુણ ધવન, દિલજિત દોસાંજ, અહાન શેટ્ટી, સોનમ બાજવા અને મોના સિંહ સહિતના કલાકારો છે. આ ફિલ્મ અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત છે. આ ફિલ્મ 23 જાન્યુઆરીએ રિલીઝ થશે. આ ઉપરાંત સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’ પણ છે, જેમાં ભારત ચીનની સેના વચ્ચે ગલવાન ખીણમાં થયેલા ઘર્ષણની કહાની છે, તેમાં સલમાન ખાન મુખ્ય ભૂમિકામાં છે, આ ફિલ્મની પણ આતુરતાથી રાહ જોવાઈ રહી છે.
ઇક્કિસ
આ ફિલ્મ ભારતના સૌથી યુવાન પરમ વીર ચક્રથી સન્માનિત સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેતરપાલના જીવન પર આધારિત છે. 1971માં ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન માત્ર 21 વર્ષની ઉંમરે અરુણ ખેતરપાલે બસંતરની લડાઈમાં ટેંક હુમલામાં ભાગ લીધો હતો, તેઓ ગંભીર ઘાયલ હતાં તો પણ તેમણે પીછેહટ કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે દુશ્મનોની ઘણી ટેંક તોડી પાડી હતી. પોતાની જીવનના બલિદાન દ્વારા તેમણે યુદ્ધનો પ્રવાહ બદલી નાખ્યો હતો. આ ફિલ્મનું દિગ્દર્શન ‘અંધાધુંધ’ જેવી ક્રાઇમ થ્રિલર ફિલ્મ બનાવનાર શ્રીરામ રાઘવન દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં અરુણ ખેતરપાલની ભૂમિકામાં અગત્સ્ય નંદા સિવાય ધર્મેન્દ્ર, જયદીપ અહલાવત અને સિકંદર ખેર જેવા કલાકારો પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ ક્રિસમસ દરમિયાન રિલીઝ થશે.












