પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતમાં કોરોના વાઇરસની ગંભીર સ્થિતિને પગલે જર્મની, ઇટલી, કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ટ્રાવેલ પર નિયંત્રણો મૂક્યો છે. ઇટલીના આરોગ્ય પ્રધાન રોબર્ટો સ્પેરન્ઝાએ ટ્વીટર પર જણાવ્યું હતું કે છેલ્લાં 14 દિવસમાં ભારતમાં રહેલા વિદેશી પ્રવાસીઓના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા આદેશ પર તેમણે હસ્તાક્ષર કર્યા છે.
પ્રધાને જણાવ્યું હતું કે ઇટલીને નાગરિકોને નેગેટિવ ટેસ્ટ રિઝલ્ટ સાથે ભારતમાંથી પરત આપવાની મંજૂરી મળશે. જોકે ઇટલીમાં આગમન સમયે તેમનો કોરોના ટેસ્ટ થશે અને ક્વોરેન્ટાઇન થવું પડશે. અમારા વિજ્ઞાનીઓ કોરોનાના ઇન્ડિયન વેરિયન્ટનો અભ્યાસ કરી રહ્યાં છે.

હેલ્થ ક્રાઇસિસનો સામનો કરી રહેલા ભારતમા સતત ચોથા દિવસે વિશ્વમાં સૌથી વધુ દૈનિક કેસ નોંધાયા હતા.
જર્મનીએ ભારત સાથેના પેસેન્જર ટ્રાફિક પર હંગામી નિયંત્રણોની જાહેરાત કરી હતી. જર્મનીના આરોગ્ય પ્રધાન જેન્સ સ્પેહને જણાવ્યું હતું કે વેક્સીનેશન પ્રોગ્રામ પર જોખમ ન થાય તે માટે ભારત સાથેના પેસેન્જર ટ્રાફિક પર નોંધપાત્ર નિયંત્રણોની જરૂર છે. રશિયાની ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર રવિવારની સાંજથી માત્ર જર્મન નાગરિકો ભારતમાંથી પ્રવેશ કરી શકશે. જર્મની ટૂંક સમયમાં ભારતને હાઇ રિસ્ક કન્ટ્રીઝની યાદીમાં મુકશે.

કુવૈત અને ઇરાને પણ ભારતમાંથી ફ્લાઇટ અને પેસેન્જર્સ પર વધુ નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી નિયંત્રણો મૂક્યા છે. કુવૈત સરકારે શુક્રવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આરોગ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને વધુ નોટિસ આપવામાં ન આવે ત્યાં સુધી ભારત સાથે ડાયરેક્ટ કોમર્શિયલ એર લિન્કને સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર કુવૈતના નાગરિકોને થર્ડ કન્ટ્રી મારફત પરત આવવાની મંજૂરી આપવામાં આવશે.

ઇરાનના સત્તાવાળાએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન સાથે ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અગાઉ યુકે, કેનેડા, યુએઇ, હોંગકોંગે પણ ભારતમાંથી પેસેન્જર ફ્લાઇટ પર પ્રતિબંધ મૂક્યો હતો.