અમેરિકામાં તાજેતરમાં કરાયેલ વસતી ગણતરીના આંકડા અનુસાર ઉચ્ચ શિક્ષણ અને મિલકતના મુદ્દે ભારતીયોએ અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં કાઠું કાઢ્યું છે. અમેરિકાવાસી ભારતીયોની સરેરાશ ઘરેલુ આવક 1,23, 700 ડોલર નોંધાઇ છે. જેની સામે અમેરિકાની કુલ વસ્તીની સરેરાશ આવક 63, 922 ડોલર છે.
અમેરિકાવાસી ભારતીયો પૈકી 79 ટકા કોલેજ ગ્રેજ્યુએટ છે. જ્યારે અમેરિકાની કુલ વસતીમાં આ સંખ્યા 34 ટકા છે. જેના પરથી સાબિત થાય છે કે ભારતીયો ઉચ્ચ શિક્ષણને વધુ મહત્ત્વ આપે છે. જ્યારે આ મામલે ભારતીયોની સામે અન્ય એશિયન્સ પાછળ છે. મીડિયન હાઉસહોલ્ડ ઇનકમ લેવલ મુજબ આ ક્ષેત્રમાં ભારત પછી તાઇવાન અને ફિલિપાઇન્સના લોકોને સ્થાન મળ્યું છે.
અમેરિકામાં વસતા તાઇવાનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક 97,000 ડોલર છે જ્યારે ફિલિપાઇન્સના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક 95,000 ડોલર છે. અમેરિકામાં વસતા ચીનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક 85,229 ડોલર છે જ્યારે જાપાનના નાગરિકોની સરેરાશ ઘરેલુ આવક 84 હજાર ડોલરથી વધુ છે.
ઉલ્લેખનીય છે કે અમેરિકામાં અત્યારે 40 લાખ ભારતીયો વસવાટ કરતા હોવાનો અંદાજ છે. 16 લાખ વિઝા હોલ્ડર છે. 14 લાખ નેચરલાઇઝ્ડ રેસિડન્ટ છે અને 10 લાખ અમેરિકામાં જન્મેલા રહેવાસી છે. અમેરિકાવાસી ભારતીયો પૈકી 14 ટકાની જ આવક 40 હજાર ડોલરથી ઓછી છે, જ્યારે 25 ટકાની આવક બે લાખ ડોલરથી વધારે છે. જ્યારે અમેરિકાની કુલ વસ્તીમાં બે લાખથી ડોલરથી વધુ આવક ધરાવતા લોકોની સંખ્યા 8 ટકા છે.