અમેરિકામાં હ્યુસ્ટનમાં રેપર ટ્રેવિસ સ્કોટના એસ્ટ્રોવર્લ્ડ મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન થયેલી ભાગદોડમાં ભારતીય મૂળની એક યુવતીનું સારવાર વખતે મૃત્યુ થયું છે. આ ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને નવ થઇ છે.
22 વર્ષીય યુવતી ભારતી સહાનીનું મૃત્યુ બધુવારે રાત્રે થયું હતું, તેને પાંચ નવેમ્બરે આ ઘટનામાં માથામાં ઇજા થઇ હતી. તેને હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવી હતી. તે ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીની વિદ્યાર્થિની હતી. ગત શુક્રવારે સ્કોટના મ્યુઝિક કન્સર્ટ દરમિયાન થયેલી ભાગદોડમાં 14થી 27 વર્ષના નવ લોકોના મૃત્યુ થયા હતા. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ભારતીના પિતા સન્નીએ જણાવ્યું હતું કે, ભારતી અમારા માટે પરી જેવી હતી. ભારતીનાં માતા કરિશ્માએ કહ્યું હતું કે, તે હંમેશા, મિત્રો, માતા-પિતા, તેમના ડોગી-બ્લુ અંગે વિચારતી રહેતી હતી. ભારતી પરિવાર માટે કરોડરજ્જુ સમાન હતી, અમારા જીવનનો પ્રકાશ હતી. ભગવાન તરફથી મળેલી એક ભેટ હતી.
ભારતીની નાની બહેન નમ્રતાએ જણાવ્યું હતું કે, તે મારા માટે બધું જ હતી, અમે હંમેશા સાથે જ રહેતા, તે મારા માટે બીજી માતા જેવી હતી.’
તે પ્રથમ પેઢીની ઇન્ડિયન અમેરિકન હતી, અને તે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએટ થવાની હતી. તે પરિવારના બિઝનેસમાં મદદ કરતી હતી અને તેની બહેનોની પણ કાળજી લેતી હતી. ભારતી અગાઉ ક્યારેય કન્સર્ટમાં ગઇ નહોતી. તે પોતાના માટે ક્યારેય કંઇ કરતી નહોતી. પરંતુ તેણે નમ્રતા અને કઝિન સાથે ટ્રેવિસ સ્કોટને જોવાનું નક્કી કર્યું હતું. તેણે બહેનો સાથે સંગીતની મજા માણી હતી પરંતુ ભીડ વધતા તે જુદી પડી ગઇ હતી. યુનિવર્સિટીના અધિકારીઓએ ભારતીના પરિવારને એક સંદેશો પણ પાઠવ્યો હતો. આ ઘટનાને કારણે ભારતીના પરિજનો અને તેના મિત્રો ખૂબ જ શોકમાં છે.
ભારતીના પરિવારે તેની આઇસીયુમાં સારવાર માટે વધુ ખર્ચને ચૂકવવા 79, 184 ડોલરથી વધુનું ભંડોળ ઉભું કર્યું હતું.
ટેક્સાસના ગવર્નર ગ્રેગ એબોટ્ટે બુધવારે કન્સર્ટ સેફ્ટી ટાસ્ક ફોર્સ રચવાની જાહેરાત પણ કરી હતી, જે કન્સર્ટ્સને કેવી રીતે સલામત રાખવા તે બાબતે વિવિધ એજન્સી અને મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિઓ સાથે મળીને ભલામણો કરશે.