અમેરિકામાં કાર્યરત હજ્જારો ભારતીય પ્રોફેશનલ્સ માટે મહત્ત્વના સમાચાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાની મુલાકાત દરમિયાન એડમિનિસ્ટ્રેશન વિદેશી પ્રોફેશનલ્સ માટે દેશમાં રહીને જ H-1B વિઝા રીન્યૂ કરવાની સુવિધા આપવાનું વિચારી રહ્યું છે. એટલે કે હવે અમેરિકાવાસી ભારતીય પ્રોફેશનલ્સે નોકરી ચાલુ રાખવા વિઝાને રીન્યૂ કરવા માટે વતન જવાની જરૂર રહેશે નહીં.

આ અંગે અમેરિકન એડમિનિસ્ટ્રેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રેસિડેન્ટ બાઇડેન વચ્ચે ગુરુવારે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. જેમાં બંને દેશના સંબંધ મજબૂત બનાવવાના ઘણા નિર્ણયો લેવાયા હતા. અમેરિકામાં જ વિઝા રીન્યૂ કરવાનો નિર્ણય બંને નેતાની બેઠક પહેલાં પરસ્પર સહયોગ વધારવાની પહેલ છે. H-1B નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે અમેરિકન કંપનીઓને વિશેષ કુશળતા ધરાવતા બિઝનેસમાં વિદેશી પ્રોફેશનલ્સને નોકરીએ રાખવાની મંજૂરી આપે છે.

ટેક્નોલોજી ક્ષેત્રની કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી ઉત્કૃષ્ટ ટેલેન્ટ ધરાવતા પ્રોફેશનલ્સની ભરતી માટે H-1B વિઝા પર મોટાપાયે નિર્ભર છે. અધિકારીએ જણાવ્યું હતું કે, “અમેરિકા ચાલુ વર્ષે કેટલાક પીટિશન આધારિત હંગામી વર્ક વિઝામાં ડોમેસ્ટિક રીન્યૂઅલની સુવિધા આપવા પાઇલટ પ્રોજેક્ટ લોન્ચ કરશે. જેમાં ભારતીય નાગરિકોનો પણ સમાવેશ થાય છે. ત્યાર પછી તેને H-1 અને L વિઝાધારકો માટે પણ લાગુ કરવાની યોજના છે. ભારત અને અમેરિકા બંને માટે આ સારું પગલું છે. અમારા બિઝનેસ પણ તેનો લાભ મળશે.” ઉલ્લેખનીય છે કે, 2004 સુધી નોન-ઇમિગ્રન્ટ કેટેગરીના કેટલાક વિઝા અને ખાસ કરીને H-1B અમેરિકામાં જ રીન્યૂ કે સ્ટેમ્પ કરાવી શકાતા હતા. જોકે, ત્યાર પછી H-1B વિઝાના એક્સ્ટેન્શન માટે ટેક્નોલોજી ક્ષેત્રે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સે વતનમાં જવું પડતું હતું.

વ્યક્તિને એક સાથે ત્રણ વર્ષ માટે H-1B વિઝા આપવામાં આવે છે. છેલ્લા કેટલાક મહિનામાં બાઇડેન સરકારે વિઝા પ્રોસેસિંગ સિસ્ટમ વ્યવસ્થિત કરવા અને લોકોની અગવડો ઘટાડવા ઘણા પ્રયાસ કર્યા છે. અમેરિકાએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને ૧,૨૫,૦૦૦ વિઝા ઇશ્યૂ કર્યા હતા.

LEAVE A REPLY

twelve − seven =