યુકેના નવા મુસાફરીના નિયમો અનુસાર, ભારતમાં સંપૂર્ણ રસીકરણ કરાયેલા ભારતીયોને રસી લીધી ન હોવાનું ગણીને 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવાનું રહેશે. યુકે સરકારે કહ્યું છે કે ‘’જો કોઈ વ્યક્તિએ આફ્રિકા, દક્ષિણ અમેરિકા, યુએઈ, ભારત, ટર્કી, જોર્ડન, થાઇલેન્ડ, રશિયા સહિતના દેશોમાંથી ડબલ રસી મેળવી હશે તો પણ તેમને રસી વગરના માનવામાં આવશે અને તેમણે ક્વોરેન્ટાઇન નિયમોનું પાલન કરવું પડશે.

બેવડી રસી લીધા બાદ યુકે આવતા ભારતીયો માટેના નિયમો

ઇંગ્લેન્ડની મુસાફરી કરતા પહેલા 3 દિવસમાં પ્રી-ડીપાર્ટર કોવિડ-19 ટેસ્ટ કરાવો. ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી બીજા દિવસે અને 8મા દિવસે કોવિડ-19 માટે ટેસ્ટ બુક કરાવી તેના નાણાં ચૂકવી યુકે આવીને જે તે દિવસે RT-PCR ટેસ્ટ કરાવવાનો રહેશે. તે ટેસ્ટ નેગેટીવ હશે તો જ બહાર નીકળી શકશો. ઇંગ્લેન્ડ પહોંચતા પહેલા 48 કલાકના સમયગાળામાં તમે ક્યાં રહેશો તે જણાવતું પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું રહેશે. ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી ઘરમાં અથવા જ્યાં રહેવાના હો ત્યાં 10 દિવસ ક્વોરેન્ટાઇન કરવાનું રહેશે.

યુકે સરકાર દ્વારા માન્ય રસી લેનારા લોકો માટેના નિયમો

યુકે સરકાર દ્વારા માન્ય ડબલ રસી લેનારા લોકોને યુકે આવતા પહેલા 8મા દિવસે કોવિડ-19 ટેસ્ટ આપવાનો રહેશે નહિં. તેમજ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી 10 દિવસ સુધી ઘરમાં કે અન્ય સ્થળે ક્વોરેન્ટાઇન કરવાનું રહેશે નહિં.

યુકેના નવા પ્રવાસ નિયમો હેઠળ સંપૂર્ણ રસીકરણ તરીકેની માન્યતા ધરાવતા લોકોએ ઇંગ્લેન્ડ પહોંચ્યા પછી બીજા દિવસે કરવાનો કોવિડ-19 ટેસ્ટ બુક કરી તેના નાણાં ચૂકવવાના રહેશે અને બીજા દિવસે ટેસ્ટ કરવાનો રહેશે. ઇંગ્લેન્ડ પહોંચતા પહેલા 48 કલાકમાં પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું રહેશે.