નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ દ્વારા સાઉથ લંડનના ટૂટીંગ ખાતે આવેલા હૉલમાં તા. 17ના ​​રોજ ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસના ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી. કાર્યક્રમમાં જોડાયેલા લોકોએ ભારતના રાષ્ટ્રધ્વજ લહેરાવી વંદે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે શ્રી નરેન્દ્ર મોદીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી ફરાળ, ગીતો અને સાંસ્કૃતિક લોકનૃત્યો માણ્યા હતાં.

મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા લંડન બરો ઓફ વેન્ડ્સવર્થના મેયર, કાઉન્સિલર રિચાર્ડ સીફિલ્ડ હિન્દીમાં સ્વાગત કરી સૌને શુભેચ્છા પાઠવી અને ભારતીય વડાપ્રધાનનો જન્મદિવસની ઉજવણીમાં પોતાને સામેલ કરવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘’સમાજના હોલમાં આવી કેટલાક પરિચિત લોકોને મળતા આનંદ થાય છે. ભારતીય સમુદાયે વૉન્ડ્સવર્થમાં ખૂબ જ સરસ સફળતા મેળવી છે દે બદલ હું તેમની પ્રશંસા કરી અને વિવિધતામાં જે મૂલ્ય આપ્યું છે તેની સરાહના કરૂ છું.’’

સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ અમીને નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. તેમણે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સરકારની 10 સૌથી મોટી સિદ્ધિઓની યાદ અપાવી શ્રી મોદીએ કરેલા વિકાસ, તેમની નિસ્વાર્થ સેવા, ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ, ગરીબોનું જીવન સુધારવા માટે આદરેલા પ્રયાસો, શિક્ષણ, રોજગાર, સ્વચ્છતા અભિયાન, સબસિડી સાથેના ગેસ સિલિન્ડરો, ખેડૂતોને મદદ વગેરે અંગે જાણકારી આપી હતી.

પ્રવિણભાઈએ 1999 માં સરદાર પટેલ મેમોરિયલ સોસાયટી (યુકે)ના પ્રમુખ તરીકે અને 2003માં એનસીજીઓના પ્રમુખ તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે બેઠક યોજવાનો લાભ મળ્યો હોવાનું જણાવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય ડાયસ્પોરાના વૈશ્વિક સંગઠન ગ્લોબલ ઓર્ગેનાઇઝેશન ઓફ પીપલ ઓફ ઇન્ડિયન ઓરિજિન (GOPIO)ના પ્રમુખ શ્રી રાજાએ જણાવ્યું હતું કે ‘’નરેન્દ્ર મોદીજી ભારતના વડા પ્રધાન બન્યા તે પહેલા ફ્રાન્સમાં અમને ભારતીય તરીકે કોઇ ઓળખતું ન હતું. તેમના પ્રધાનમંત્રી પદથી મોટો ફેરફાર થયો છે. દરેક જગ્યાએ ભારતીયોને માન્યતા મળી છે અને ભારતીયોની પ્રશંસા થઈ રહી છે.’’

પ્રવિણભાઈએ કાર્યક્રમના આયોજનમાં મદદ કરનાર મેયર, શરદભાઇ પરીખ, ગરવી ગુજરાત પબ્લિકેશન્સ, શ્રી બાબુલાલ, સમિતિના સભ્યો અને એસોસિએશનના કાર્યક્રમોમાં નિયમિતપણે ભાગ લેનાર સૌનો આભાર માન્યો હતો.