બિહારમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતાં પક્ષની અંદર જ વિવાદ થયો છે. બિહાર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ અખિલેશ પ્રસાદ સિંહે કહ્યું હતું કે, અમારી તરફથી જ કેટલીક ગડબડીઓ થઈ છે. તેમણે કહ્યું હતું કે ટિકિટની વહેંચણીમાં થયેલા વિલંબના કારણે ચૂંટણી પરિણામોમાં અસર જોવા મળી છે. બિહાર ચૂંટણીમાં કોંગ્રેસને ફક્ત છ બેઠકો પર જ જીત મળી છે. 2020ના વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 19 બેઠકો જીતી હતી.
અખિલેશે કહ્યું હતું કે બિહાર કોંગ્રેસના પ્રભારી કૃષ્ણા અલ્લાવરુ અને RJDના સંજય યાદવ પણ કેટલીક બાબતોને ખોટી દિશામાં લઈ ગયા અને તેમને આ હાર માટે જવાબદાર ઠેરવ્યા હતા. અખિલેશે સવાલ કર્યો કે ‘ફ્રેન્ડલી ફાઈટ’ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? તેમણે કહ્યું હતું કે તેના માટે અલ્લાવરુ અને સંજય જવાબદાર છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વરિષ્ઠ નેતાઓને બાજુએ ધકેલી અને બહારના લોકોને બિહારમાં કોંગ્રેસ કોન્ટ્રેક્ટમાં સોંપવામાં આવી હતી તેવી પરિસ્થિતિ હતી. તેમણે કહ્યું હતું કે આ પરિણામોની ગંભીર સમીક્ષા કરીને કડક પગલાં લેવાની જરૂર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસે બિહાર ચૂંટણીમાં 60 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. કોંગ્રેસે વાલ્મીકિનગર, ચનપટિયા, ફોર્બિસગન્જ, અરસિયા, કિશનગંજ અને મનિહારી બેઠકો પર જીત મેળવી છે. પાર્ટીને રાજ્યમાં કુલ 8.71 ટકા મત મળ્યા છે. 2020ની ચૂંટણીમાં કોંગ્રેસે 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને 19 બેઠકો જીતી હતી. એ સમય તેનું મત ટકાવારી 9.6 ટકા હતી.

LEAVE A REPLY