ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મ દિન- 2 ઓક્ટોબરના રોજ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે યુનાઇટેડ નેશન્સમાં ભારતના કાયમી મિશન દ્વારા ગુરુવારે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટરેસે આ સંદેશ આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આજે વિશ્વ આપણી સહિયારી માનવતાના ચિંતાજનક ધોવાણનું સાક્ષી બની રહ્યું છે. આ આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ પર આપણે મહાત્મા ગાંધીના જીવન અને વારસા તથા તમામ માટે શાંતિ, સત્ય અને ગૌરવ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતાનું સન્માન કરીએ છીએ. ગાંધીજીએ ફક્ત આ આદર્શો દર્શાવ્યાં ન હતાં, પરંતુ તેનું અનુસરણ કર્યું હતું. વિશ્વમાં વધતા તણાવ અને વિભાજનના આ સમયમાં તેમનો સંદેશ નવેસરથી પ્રાસંગિક બન્યો છે. સંવાદનું સ્થાન હિંસા લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. માનવ અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. ગાંધીજી માનતાં હતાં કે અહિંસા નબળાઓનું શસ્ત્ર નહીં, પણ સાહસિક લોકોની તાકાત છે. તે દ્વેષ વિના અન્યાયનો પ્રતિકાર કરવાની, ક્રૂરતા વિના જુલમનો સામનો કરવાની અને પ્રભુત્વ દ્વારા નહીં પણ ગૌરવ દ્વારા શાંતિનું નિર્માણ કરવાની શક્તિ છે. યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ એમ્બેસેડર પી. હરીશે જણાવ્યું હતું કે વિભાજન અને સંઘર્ષના વર્તમાન યુગમાં ગાંધીજીનો સંદેશ સ્પષ્ટ છે કે અહિંસા એ સ્થાયી વૈશ્વિક શાંતિ પ્રાપ્ત કરવા માટે માનવજાત પાસે સૌથી મોટી શક્તિ છે.
