ઇરાને ક્રૂડ ઓઇલ અને ગેસની નિકાસ માટે રૂપી-રિયાલમાં વેપાર ફરી ચાલુ કરીને ભારતને તેની ઊર્જા જરૂરિયાતમાં મદદ કરવાની ઓફર કરી છે. જો બંને દેશો રૂપી-રિયાલમાં વેપાર ફરી ચાલુ કરશે તો દ્વિપક્ષીય વેપાર 30 અબજ ડોલરે પહોંચી શકે છે. તહેરાને હાલમાં અટવાયેલા ઇરાન-પાકિસ્તાન-ઇન્ડિયા ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટનો નવો રૂટ શોધવાની પણ તૈયાર છે, એમ ભારત ખાતેના ઇરાનના રાજદૂત અલી ચેગેનીએ જણાવ્યું છે.

અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેની અણુ સમજૂતીમાંથી નીકળી જઇને ઇરાન પર ક્રૂડ ઓઇલની નિકાસ પર પ્રતિબંધો લાદ્યા બાદ ભારતે ઇરાનમાંથી આયાત બંધ કરી હતી. આ પહેલા ભારત બીજા ક્રમે સૌથી વધુ ક્રૂડ ઓઇલની આયાત ઇરાનમાંથી કરતું હતું.

ચેગેનીએ જણાવ્યું હતું કે ઇરાન ક્રૂડ ઓઇલ અને ગેસની નિકાસ માટે રૂપી-રિયાલ વેપાર શરૂ કરીને ભારતની ઊર્જા સુરક્ષાની જરૂરિયાત પૂરી કરવા તૈયાર છે. રૂપી-રિયાલ વેપાર સિસ્ટમથી બંને દેશોની કંપનીઓને એકબીજા સાથે સીધો વેપાર કરવામાં અને થર્ડ પાર્ટી દલાલી ખર્ચ ટાળવામાં મદદ મળશે.

અગાઉ ભારત અને ઇરાન વચ્ચે વેપાર માટે સાટા પદ્ઘતિ જેવી સિસ્ટમ હતી. તેમાં ભારતની ઓઇલ રિફાઇનરીઓ ઇરાનની સ્થાનિક બેન્કને ભારતીય ચલણ રૂપિયામાં ચુકવતી કરી હતી. આ ભંડોળનો ઉપયોગ કરીને ઇરાન ભારતમાંથી આયાત કરતું હતું. તેનાથી ઇરાન ક્રૂડ ઓઇલ માટે ભારતનો સૌથી મોટો સપ્લાય દેશ બન્યો હતો. જોકે અમેરિકાના પ્રતિબંધોને કારણે ભારત-ઇરાન વેપારમાં તીવ્ર ઘટાડો થયો હતો. બંને દેશો વચ્ચે 2018-19ના નાણાકીય વર્ષમાં 17 અબજ ડોલરનો વેપાર થયો હતો, જે ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જાન્યુઆરીમાં ઘટીને બે અબજ ડોલરનો થઈ ગયો હતો.

રાજદૂતે જણાવ્યું હતું કે તહેરાન હાલમાં અટવાયેલા ઇરાન, પાકિસ્તાન-ભારત પાઇપલાઇન પ્રોજેક્ટ  માટે વૈકિલ્પક રૂટ શોધીને આ પ્રોજેક્ટ ફરી અમલી બનાવવા માટે પણ તૈયાર છે. આ પ્રોજેક્ટ્સથી ભારતને નેચરલ ગેસની જરૂરિયાત પૂરી કરવામાં મદદ મળી શકે છે.

ઇરાન ભારતમાંથી કૃષિ કોમોડિટી, ફાર્માસ્યુટિકલ્સ, આયર્ન એન્ડ સ્ટીલ, ઓટોમોબાઇલ, ક્લિન્કર, સિમેન્ટ જેવી વસ્તુઓની આયાત કરતું હતું. ઇરાને બિઝનેસમેન, ટુરિસ્ટ્સ, વિદ્યાર્થીઓને પેપર-લેસ, ઇલેક્ટ્રોનિક વિઝા ઇશ્યૂ કરવા માટે એક સિસ્ટમ પણ ચાલુ કરી છે. આ સપ્તાહના પ્રારંભમાં ભારતની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી ઇન્ડિયન ઓઇલે રશિયામાંથી 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત માટે કરાર કર્યા હતા.