ઇઝરાયલમાં કોરોના વાઇરસનો નવો વેરિયંટ જોવા મળ્યો છે. દેશમાં આ વેરિયંટના બે કેસ બહાર આવ્યા છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તેઓ આ નવા વેરિયંટના કારણે વધુ ચિંતિત નથી. આ નવો વેરિયંટ કોવિડ-19ના ઓમક્રોન વેરિયંટના બે પેટાપ્રકાર-બીએ.1 અને બીએ.2નું સંયોજન છે. ઇઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોના આરટીપીસીઆર રીપોર્ટમાં આ વેરિયંટ જોવા મળ્યો છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, વિશ્વભરમાં અત્યાર સુધી આ વેરિયંટ અંગે કોઇ માહિતી નથી. જે બે લોકોમાં આ વેરિયંટ જોવા મળ્યો છે તેમનો સામાન્ય તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓમાં તકલીફ જોવા મળી છે. જોકે, આ બંને દર્દીઓને કોઇ વિશેષ મેડિકલ સારવારની જરૂર નથી. ઇઝરાયલના કોવિડ રીસ્પોન્સ ટીમના વડા સલમાન ઝરકાએ જણાવ્યું હતું કે, અત્યારના સંજોગોમાં અમે તેનાથી વધુ ચિંતિત નથી. આ ઉપરાંત ગત જાન્યુઆરીમાં ઇઝરાયલમાં કોવિડ-19 અને ઇન્ફ્લુએન્ઝાના બેવડા સંક્રમણનો રોગ-‘ફ્લોરોના’નો પ્રથમ કેસ નોંધાયો હતો.