પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામાબાદમાં મુસ્લિમ દેશોના સંગઠન ઓઆઇસીની બેઠકમાં ભારત વિરુદ્ધ નિવેદન આપી કાશ્મીર રાગ આલોપ્યો હતો. ખાને જણાવ્યું હતું કે આપણે દોઢ અબજ મુસ્લિમ છીએ પણ કાશ્મીર અને ફિલિપાઇન્સ મુદ્દાનું નિરાકરણ કરવામાં નિષ્ફળ રહ્યા છીએ. આપણુ કાશ્મીર પર કોઇ જ પ્રભાવ નથી, તેઓ આપણને ગંભીરતાથી નથી લઇ રહ્યા. કાશ્મીરી લોકોને આત્મનિર્ણયનો અધિકાર નથી આપવામાં આવ્યો. ઇસ્લામાબાદમાં મંગળવારે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કો-ઓપરેશનના વિદેશ પ્રધાનોની બેઠક ચાલુ થઈ હતી. ઇસ્લામોફોલિયોનો સામનો કરવાની જરૂરિયાત દર્શાવતા ઇમરાને પેલેસ્ટીન કટોકટી સાથે કાશ્મીર મુદ્દાની સરખામણી કરવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે કોઇ પુરાવા વગર દાવો કર્યો હતો કે ભારતે ગેરકાયદે કાશ્મીરના વિશેષ દરજ્જાને જ ખતમ કરી દીધો છે. બાદમાં ઇમરાન ખાને અરબના મુસ્લિમોને ભારત સામે એક થવા માટે ભડકાવ્યા હતા. આ સંમેલનમાં ચીનના વિદેશ પ્રધાન વાંગ યી પણ હાજર રહ્યા હતા. ઇમરાન ખાને કહ્યું હતું કે આપણે ભારતની સામે કાશ્મીર મુદ્દે એક સંયુક્ત મોરચો ઉભો કરવાની જરુર છે. નહીં તો આ અત્યાચાર કાશ્મીર અને ફિલિપાઇન્સના થતા રહેશે.

અહીં ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન હાલ વડાપ્રધાનની ખુરશી બચાવવા માટે હવાતિયા મારી રહ્યા છે, કારણ કે તેમના પાર્ટીના કેટલાંક સાંસદો તેમની વિરુદ્ધમાં નિવેદન આપી રહ્યાં છે. ઇમરાન સરકાર સામે વિપક્ષની અવિશ્વાસ દરખાસ્ત પર ૨૫મીએ મતદાન થવાનું છે.