પ્રતિક તસવીર (Photo by Oli Scarff/Getty Images)

ઇઝરાયેલ – હમાસ વચ્ચેનો સંઘર્ષ ઉગ્ર બની રહ્યો છે અને આ સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 બ્રિટિશ નાગરિકો માર્યા ગયા છે અને વધુ છ ગુમ થયા છે. ઇઝરાયેલ અને ગાઝાની તાજેતરની પરિસ્થિતિ અંગે વડા પ્રધાન સુનકે હાઉસ ઓફ કોમન્સમાં તા. 23ના રોજ માહિતી આપી હતી તો ઈઝરાયેલ સહિત મધ્ય પૂર્વના દેશોની એક દિવસીય મુલાકાત દરમિયાન તેમણે ઈઝરાયલની સાથે “સૌથી અંધકારમય ઘડી”માં ઊભા રહેવાનું વચન આપ્યું હતું અને ગાઝામાં માનવતાવાદી કોરિડોર ખોલાવાના નિર્ણયને આવકાર્યો હતો. તા. 21ના રોજ સેન્ટટ્રલ લંડનમાં યોજાયેલી પેલેસ્ટાઈન તરફી દેખાવોમાં લગભગ લાખેક લોકોએ ભાગ લીધો હતો. પોલીસે 10ની ધરપકડ કરી હતી તો પાંચ પોલીસ અધિકારીઓને સામાન્ય ઇજાઓ થઈ હતી. પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં તા. 21ના રોજ લંડન ઉપરાંત બર્મિંગહામ, કાર્ડિફ અને બેલફાસ્ટ જેવા અન્ય શહેરોમાં પણ શ્રેણીબદ્ધ દેખાવો યોજાયા હતા અને તેમાં હજ્જારો લોકોએ ભાગ લીધો હતો.

ઇઝરાયેલ અને ગાઝાની તાજેતરની પરિસ્થિતિ અંગે હાઉસ ઓફ કોમન્સમાં વડા પ્રધાન ઋષિ સુનકે તા. 23ના રોજ કરેલા પ્રવચનમાં જણાવ્યું હતું કે ‘’અમે ઇઝરાયેલ સાથે ઉભા છીએ. તો બીજી તરફ અમે ગાઝામાં નાગરિકોને કુલ £30 મિલિયનની સહાય પૂરી પાડી તેમને પણ મદદ કરી રહ્યા છીએ. હમાસ માત્ર ઈઝરાયેલ માટે જ નહીં પરંતુ આ ક્ષેત્રમાં અન્ય ઘણા લોકો માટે ખતરારૂપ છે. અલ-અહલી અરબ હોસ્પિટલમાં થયેલો ભયાનક વિસ્ફોટ ઉપલબ્ધ તમામ પુરાવાઓને જોતા મિસાઈલ દ્વારા થયો હતો. જેને ગાઝામાંથી ઈઝરાયેલ તરફ છોડવામાં આવ્યું હતું.’’

સુનકે જણાવ્યું હતું કે ‘’અમે બધા પેલેસ્ટિનિયન લોકો સાથે એકતામાં ઊભા છીએ. પરંતુ અમે આપણા દેશમાં ક્યારેય યહૂદી વિરોધને સહન કરીશું નહીં. આપણી શેરીઓમાં જેહાદની હાકલ માત્ર યહૂદી સમુદાય માટે જ નહીં, પરંતુ આપણા લોકશાહી મૂલ્યો માટે પણ ખતરો છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે પોલીસ ઉગ્રવાદનો સામનો કરવા માટે જરૂરી તમામ પગલાં લેશે.’’

‘ધ સન્ડે ટેલિગ્રાફ’માં લખેલા એક લેખમાં વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘’યુકેએ ખૂની દુશ્મન સામે પોતાનો બચાવ કરવાના ઇઝરાયેલના અધિકારને સમર્થન આપ્યું છે અને આ પ્રદેશ “તીવ્ર માનવતાવાદી કટોકટી”નો સામનો કરી રહ્યો છે. હમાસે પહેલેથી જ બતાવ્યું છે કે તેઓ કોણ છે તેથી તેમને પરાજિત કરવા જ જોઈએ. ગાઝામાં પેલેસ્ટિનિયન લોકો આ ક્ષણે ભયંકર રીતે પીડાય છે, જાનહાનિની સંખ્યા સતત વધી રહી છે. તેઓ હમાસના પણ શિકાર છે, જેઓ નિર્દોષોનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરે છે.”

ગાઝામાં સંઘર્ષ વચ્ચે હમાસે બે વૃદ્ધ મહિલા બંધકોને હમાસની કસ્ટડીમાંથી મુક્ત કરી હતી. સોમવારે સાંજે બે અઠવાડિયાની કેદમાંથી હમાસ દ્વારા મુક્ત કરાયા બાદ હમાસના અપહરણકર્તા સાથે હાથ મિલાવી શાંતિ માટેનો હિબ્રુ શબ્દ ‘શાલોમ’ કહેનાર 85 વર્ષીય બંધક યોચેવ્ડ લિફ્ચિત્ઝે કહ્યું હતું કે ‘’હું નરકમાંથી પસાર થઇ હતી. શ્રીમતી લિફ્ચિત્ઝે અને તેમના પતિ ઓડેડનું મોટરબાઈક પર હમાસના બંદૂકધારીઓ દ્વારા અપહરણ કરાયું હતું અને તેમને ગાઝામાં ટનલમાં રખાયા હતા. તેણીએ કહ્યું હતું કે તેમને મુસાફરી દરમિયાન લાકડીઓ વડે માર્યા હતા પરંતુ મોટાભાગના બંધકો સાથે “સારું વર્તન” કરવામાં આવ્યું હતું. સોમવારે સાંજે તેમને અન્ય મહિલા, 79 વર્ષીય નુરીત કૂપરને ઇજિપ્ત સાથેના રફાહ ક્રોસિંગ પર ઇન્ટરનેશનલ રેડ ક્રોસને સોંપવામાં આવ્યા હતા.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના સંઘર્ષમાં ઓછામાં ઓછા 10 બ્રિટિશ નાગરિકો માર્યા ગયા છે અને વધુ છ બ્રિટીશ નાગરિકોને બંધક બનાવાયા છે અને તેઓ અમારી સંપૂર્ણ પ્રાથમિકતા છે” એમ જુનિયર બ્રિટીશ ફાઇનાન્સ સક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું.

લેસ્ટરના મુસ્લિમ વિદ્વાન શેખ ઇબ્રાહિમ મોગરા, લંડન સેન્ટ્રલ મસ્જિદના મુખ્ય ઈમામ શેખ ડૉ. ખલીફા એઝ્ઝત, લીડ્ઝની મક્કા મસ્જિદના વરિષ્ઠ ઇમામ, ઇમામ કારી આસીમ તથા બ્રિટનના 14 અન્ય વિદ્વાનો, ઇમામો અને મૌલવીઓએ એક સંયુક્ત નિવેદન બહાર પાડી “હમાસ દ્વારા કરાયેલી નિર્દોષ લોકોની હત્યા અને અપહરણ તથા ઇઝરાયેલ દ્વારા વાપરવામાં આવેલા “અતિશય બળ”ની નિંદા કરી છે.

લંડનમાં યોજાયેલી પેલેસ્ટાઇન તરફી કૂચમાં લોકોએ “જેહાદ”ના સુત્રોચ્ચાર કરતા વડા પ્રધાને સુનકે તેને અટકાવવામાં નિષ્ફળ રહેલી મેટ્રોપોલિટન પોલીસની ટીકા કરી સુત્રોચ્ચારોને “બ્રિટિશ લોકશાહી માટે ખતરો” ગણાવ્યા હતા. સુનકે પોલીસને આવા વર્તનનો સામનો કરવા કહી એવા દાવાઓને ફગાવી દીધા હતા કે તેમની પાસે આમ કરવાની જરૂરી સત્તા નથી. પરંતુ મેટ કમિશનર સર માર્ક રાઉલીએ કહ્યું હતું કે ‘’ઉગ્રવાદ પરનો વર્તમાન કાયદો અપૂરતો છે અને તેમના અધિકારીઓ શિષ્ટાચારનો અમલ કરી શકતા નથી.’’ વડા પ્રધાને સ્વીકાર્યું છે કે કાયદાની સ્પષ્ટતાની જરૂર પડી શકે છે અને મંત્રીઓ, ફરિયાદી અને પોલીસ “રેલીઓમાં ઉગ્રવાદી ભાષાનો ઉપયોગ કરનારા વિરોધીઓની ધરપકડ કરવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક યોજનાઓ પર કામ કરી રહ્યા છે”.

ફ્રાંસના વડા પ્રધાન એલિઝાબેથ બોર્ને “માનવતાવાદી યુદ્ધવિરામ” માટે હાકલ કર્યા પછી ફ્રાન્સ અને અન્ય EU રાજ્યોએ બ્રિટન અને યુએસ સાથે “અથડામણ” શરૂ કરી છે. EUના ટોચના રાજદ્વારી, જોસેપ બોરેલે દલીલ કરી છે કે બોમ્બ ધડાકા અટકાવવાથી બંધકોની મુક્તિ માટે હમાસ સાથે વાટાઘાટો કરવા માટે વધુ સમય મળશે. તેનાથી વિપરીત, વડા પ્રધાન ઋષિ સુનકે કહ્યું છે કે ઇઝરાયેલ હજુ પણ નિયમિત રોકેટ હુમલાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે યુદ્ધવિરામ માટે તેના પર દબાણ કરવું “મુશ્કેલ” હશે. તો યુએસ પ્રમુખ જો બાઇડેને કહ્યું છે કે વાટાઘાટો શરૂ થાય તે પહેલાં તમામ બંધકોને મુક્ત કરવાની જરૂર છે.

આતંકવાદીઓના બોડીકેમ્સ અને સ્માર્ટફોનમાંથી ડાઉનલોડ કરાયેલી તસવીરો અને ભયાનક વિડિયો ઇઝરાયેલ દ્વારા જાહેર કરાયા બાદ હમાસના આતંકવાદી હુમલાઓની બર્બરતા સાબિત થઇ રહી છે. તે તેલ અવીવમાં પત્રકારોને બતાવવામાં આવતા તેઓ રડી પડ્યા હતા. સોસ્યલ મિડીયામાં ફરતા વિડીયોથી હમાસ અને મુસ્લીમો પરત્વે લોકોનો રોષ વધી રહ્યો છે.

LEAVE A REPLY

2 × 2 =