મહાત્મા ગાંધી સામે કથિત અપમાનજનક ટીપ્પણી કરવા બદલ છત્તીસગઢ પોલીસે ગુરુવારે હિન્દુ સંત કાલીચરણ મહારાજની પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી, (PTI Photo)

મહાત્મા ગાંધી સામે કથિત અપમાનજનક ટીપ્પણી કરવા બદલ છત્તીસગઢ પોલીસે ગુરુવારે હિન્દુ સંત કાલીચરણ મહારાજની પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાંથી ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

રાયપુરના પોલીસ સુપરિન્ટેન્ડન્ટ પ્રશાંત અગ્રવાલે જણાવ્યું હતું કે ચોક્કસ માહિતીને આધારે પોલીસે મધ્યપ્રદેશના ખજુરાહોથી 25 કિમી દૂર આવેલા બાગેશ્વર ધામ નજીક આવેલા ભાડાના રૂમમાંથી આ સંતની ધરપકડ કરી હતી. તેમને રોડ માર્ગે ગુરુવારે સાંજે રાયપુર લાવવામાં આવ્યા હતા.

મહાત્મા ગાંધી સામે વાંધાજનક શબ્દનો કથિત ઉપયોગ કરવા બદલ રવિવારે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં કાલીચરણ મહારાજ સામે એફઆઇઆર દાખલ કરવામાં આવી હતી. આ મુદ્દે સોમવારે મહારાષ્ટ્રના અકોલા ખાતે પણ પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

રવિવારની સાંજે રાયપુરમાં બે દિવસની ધર્મસંસદના સમાપન દરમિયાન કાલીચરણ મહારાજે રાષ્ટ્રપિતા સામે વિવાદિત શબ્દોનો કથિત ઉપયોગ કર્યો હતો. તેમણે હિન્દુ ધર્મની રક્ષા માટે સરકારના વડા તરીકે હિન્દુ નેતાને ચૂંટી કાઢવા માટે પણ લોકોને આહવાન કર્યું હતું.