વિવાદિત યુવા અભિનેત્રી કંગના રનૌતે સોશિયલ મીડિયામાં જણાવ્યું છે કે તેનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની તબિયત ઘણા દિવસથી ખરાબ હતી.
કંગનાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરીને આ અંગે માહિતી આપી હતી. કંગનાએ જણાવ્યું છે કે, ‘હું છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ થાક અને નબળાઇ અનુભવી રહી હતી. મારી આંખોમાં બળતરા પણ થતી હતી. હું હિમાચલ જતાં પહેલાં કોરોના ટેસ્ટ કરાવવા ઇચ્છતી હતી અને ગઈકાલે ટેસ્ટ કરાવ્યો. તેનું પરિણામ આજે મને ખબર પડી કે હું કોરોના પોઝિટિવ છું. મેં મારી જાતને અલગ કરી છે, મને ખબર ન હતી કે વાઇરસ મારા શરીરમાં પાર્ટી કરી રહ્યો છે. હવે મને ખબર પડી ગઈ છે અને હું એને ખતમ કરી દઈશ, તમે લોકો પણ આ વાઇરસને પોતાના પર હાવી ના થવા દેતા. જો આનાથી ડરી ગયા તો તમને વધુ ડરાવશે.’
આ સમાચાર મળતાની સાથે કંગનાના ચાહકો તેની તબિયત માટે પ્રાર્થના કરી રહ્યા છે અને ઝડપથી સાજા થવાની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.