કચ્છના સીમાવર્તી વિસ્તારોમાં 3.3ની તીવ્રતાના ભુકંપના આંચકા આવ્યા હતા. રવિવારની વહેલી સવારે ૬.૦૬ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આંચકાનું કેન્દ્રબિંદુ ભચાઉથી ૧૨ કિલોમીટર દૂર આવેલા માય ગામ નજીક નોંધાયું હતું, એમ ગાંધીનગરના ઈન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજી રિસર્ચેના પ્રવક્તાએ જણાવ્યું છે.

૩.૩ના આંચકાના બે કલાક અગાઉ આ જ કેન્દ્રબિંદુ નજીક ૧.૫ તીવ્રતાની હળવો આંચકો આવ્યો હતો. લોકો આંચકાથી સફાળા જાગી ઊઠ્યાં હતા. બે દાયકા અગાઉ આવેલા વિનાશક ધરતીકંપ બાદ કચ્છની ધરા સતત ધ્રૂજતી રહે છે. ભૂવિજ્ઞાનિકોએ તાજેતરમાં કચ્છમાં આવેલી જુદી-જુદી ફોલ્ટલાઈનોમાં કરેલા સંશોધનમાં ફરી મોટો ભૂકંપ આવવાની શક્યતા હોવાનું તારણ કાઢ્યું હતું ત્યારે સીમાવર્તી વાગડની ધરા વધુ એકવાર ૩.૩ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ધણધણી ઊઠી હતી. ૨૦૦૧ના ભૂકંપ બાદ આ ફોલ્ટલાઈન સતત એક્ટિવ રહી છે અને અવારનવાર હળવાથી મધ્યમ તીવ્રતાના કંપન ઉદ્ભવી રહ્યાં છે.