દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્ય પ્રધાન ભગવંત માનના રોડ શોનું શનિવારે અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના પૂર્વ વિસ્તારમાં નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી ઠક્કરબાપાનગર બ્રિજના છેડા સુધી રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના બંને નેતાઓની તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. રોડ શોના પગલે રૂટ ઉપર તેમજ બંને નેતાઓના વાહન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઘણા બધા લોકો રોડ શો જોવા ધાબા પર ચડી ગયા હતા. જોકે, આ રોડ શો શરૂ થવાના બે કલાક પહેલા તેનો રૂટ ટૂંકાવી દેતા અનેક સવાલો ઉભા થયા હતા. રોડ-શો ના રૂટને ટૂંકાવવા અંગેનું કોઈ સ્પષ્ટ કારણ જણાવવામાં આવ્યું નથી. આ અગાઉ સવારે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી છે. તેમણે ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એ ઉપરાંત તેમણે હૃદયકુંજની પણ મુલાકાત લીધી હતી. દિલ્હીમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના ઘર પર હુમલાને પગલે ગુજરાતમાં પણ આવી કોઇ ઘટના ન બને એના માટે તેમની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો કરવામાં આવ્યો છે.