કેરળના મુખ્યપ્રધાન પી વિજયન. (ANI Photo)

કેરળના અલપ્પુઝા જિલ્લામાં વિરોધ પક્ષ ભાજપ અને સોસિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI)ના બે નેતાઓની રવિવારે કરપીણ હત્યાથી જિલ્લામાં તંગદીલી ઊભી થઈ હતી. પોલીસે ધારા 144 લાગુ કરીને મોટી સભાઓ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયને આ હત્યાની નિંદા કરી હતી અને કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી.

SDPIના રાજ્ય સચિવ કે એલ શાન ગઇકાલે મોડી સાંજે પોતાના ઘરે જઈ રહ્યાં હતા ત્યારે તેમની હત્યા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે શાન દ્વિચક્રિય વાહનમાં જઈ રહ્યાં હતા, ત્યારે કારમાં બેઠેલા ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલા પછી મધ્યરાત્રીએ કોચી હોસ્પિટલમાં તેમનું મોત થયું હતું. SDPIએ આરએસએસના કાર્યકરો પર હુમલાનું ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો હતો.

આ હત્યાના 12 કલાક કરતાં ઓછા સમયમાં અજાણ્યા શખ્સોએ કેરળ ભાજપના ઓબીસી એકમના સચિવ રંજીત શ્રીનિવાસનના ઘરમાં ધુસીને તેમની હત્યા કરી હતી. પોલીસ આ બંને ઘટનાની તપાસ કરી રહી છે. ભાજપ અને SDPIએ એકબીજા પર હત્યાના આક્ષેપ કર્યા હતા. ભાજપે આક્ષેપ કર્યો હતો કે રંજિત શ્રીનિવાસ પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો.

રાજયના મુખ્યપ્રધાન વિજયને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હિંસાની આવા જઘન્ય અને અમાનવીય કૃત્ય રાજ્ય માટે ખતરનાક છે. મને વિશ્વાસ છે કે તમામ લોકો આવા હત્યારાના જૂથ અને તેમની ઘૃણાસ્પદ વૃત્તિઓને ઓળખીને તેમને અલગ પાડવા માટે તૈયાર થશે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સી ટી રવિએ સીપીએમના વડપણ હેઠળની કેરળ સરકાર પર ભગવાનની ભૂમિને જેહાદીઓનું સ્વર્ગ બનાવવાનો આક્ષેપ કર્યો હતો. કેન્દ્રીય પ્રધાન મુરલીધરને પણ આવા હુમલાની નિંદા કરી હતી. તેમણે મુખ્યપ્રધાન વિજયનને ટેગ કરીને જણાવ્યું હતું કે સીપીઆઇએમ શાસિત રાજય હત્યાનું ખુલ્લું મેદાન બની રહ્યું છે અને રાજ્યમાં કાયદો-વ્યવસ્થા નથી. નાગરિકો સુરક્ષિત નથી અને હત્યારા સુરક્ષિત ફરાર થઈ જાય છે.