ખાલિસ્તાન તરફી એક જૂથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે “શિખ કાર્યકર્તા ભાઈ અવતાર સિંહ ખંડાના શંકાસ્પદ મૃત્યુ સહિત ઘરેલું મુદ્દાઓ’’ બાબતે સોમવાર તા. 2ના રોજ ભારતીય હાઈ કમિશનની બહાર ભારત વિરોધી પ્લેકાર્ડ લહેરાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

લગભગ બે કલાક સુધી ચાલેલા સમગ્ર પ્રદર્શન દરમિયાન વિરોધીઓએ પંજાબીમાં ભાષણો અને ખાલિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ અગાઉ સોમવારે, યુકે સ્થિત જૂનમાં બર્મિંગહામમાં મૃત્યુ પામનાર ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તા અવતાર સિંહ ખંડાના મૃત્યુની તપાસ શરૂ કરવા માટે શીખ ફેડરેશન (યુકે) એ ઈંગ્લેન્ડ અને વેલ્સના ચીફ કોરોનરને રજૂ કરાયેલ ઔપચારિક વિનંતી બાબતે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આક્ષેપ કરાય છે કે તેમના મૃત્યુ પહેલાં ભારતીય રાજકારણ સાથે જોડાણ ધરાવતા લોકો દ્વારા જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. તેમના મૃત્યુની આસપાસ અટકળોને પગલે, સ્થાનિક વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસે જણાવ્યું હતું કે મૃત્યુની આસપાસ “કોઈ શંકાસ્પદ સંજોગો” નથી. મૃત્યુ પછીનું સત્તાવાર કારણ તીવ્ર લ્યુકેમિયા અથવા બ્લડ કેન્સર તરીકે જણાવવામાં આવ્યું હતું.

કેનેડામાં વોન્ટેડ આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં કથિત ભારતીય સંડોવણીના ગયા મહિને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો તરફ ધ્યાન દોરવા માટે બ્રિટિશ શીખ જૂથો દ્વારા આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે ભારતના વિદેશ મંત્રાલય (MEA) દ્વારા આ આરોપોને “વાહિયાત અને પ્રેરિત” ગણાવીને નકારી કાઢવામાં આવ્યો છે.

આ વિરોઘ પ્રદર્શન સામે ઈન્ડિયા હાઉસની બહાર સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને પગપાળા અને વાહનોમાં પેટ્રોલિંગ કરાયું હતું.  સેન્ટ્રલ લંડનમાં એલ્વિચ ખાતે આવેલ વોલ્ડોર્ફ હોટેલની બહાર પાઘડીધારી પુરુષો અને કેટલીક સ્ત્રીઓના જૂથને કોર્ડન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

six + 12 =