રશિયા સામેના પ્રતિબંધની અવગણના કરવાના પ્રયાસોના પરિણામો ભોગવવા પડશે તેવી અમેરિકાએ ચેતવણી આપ્યાના એક દિવસ બાદ રશિયા અને ભારતના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક યોજાઈ હતી. (ANI Photo/S Jaishankar Twitter)

પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમ્સને બાયપાસ કરવાના પ્રયાસો હવે તેજ થયા છેઃ લાવરોવ

યુક્રેન યુદ્ધની વચ્ચે ભારતની મુલાકાતે આવેલા રશિયાના વિદેશ પ્રધાન સર્ગી લાવરોવે શુક્રવારે જણાવ્યું હતું કે પશ્ચિમી દેશોએ લાદેલા પ્રતિબંધોને બાયપાસ કરવા માટે રશિયા ભારત અને બીજા ભાગીદાર દેશો સાથે રાષ્ટ્રીય ચલણોમાં વેપાર કરવા માટે આગળ વધી રહ્યું છે.ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકર સાથે બેઠક યોજ્યા બાદ લાવરોવે આ ટીપ્પણી કરી હતી. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધ તથા તેનાથી મોસ્કો અને નવી દિલ્હી વચ્ચેના સંબંધો પરની અસરો અંગે ચર્ચા થઈ હતી.

રશિયા સામેના પ્રતિબંધની અવગણના કરવાના પ્રયાસોના પરિણામો ભોગવવા પડશે તેવી અમેરિકાએ ચેતવણી આપ્યાના એક દિવસ બાદ રશિયા અને ભારતના વિદેશ પ્રધાનો વચ્ચે બેઠક યોજાઈ હતી.

રશિયા અને યુક્રેન વચ્ચેના વિવાદના અંત માટે ભારત મદદ કરી શકે કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં લાવરોવે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ તરફ ભારત તેના વાજબી અને તાર્કિક અભિગમ સાથે આ પ્રક્રિયામાં સપોર્ટ કરવા માગતું હોય તો કોઇને તેની સામે વાંધો નથી. જોકે ભારત આ અંગે પહેલ કરી હોય તેવું કંઇ સાંભળવામાં આવ્યું નથી.
વેપાર માટે રૂપી-રુબલ પેમેન્ટ સિસ્ટમની ચર્ચા અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ઘણા વર્ષો પહેલા ભારત અને ચીન જેવા દેશો વચ્ચે વેપાર માટે આવી સિસ્ટમ ચાલુ થઈ હતી અને પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમ્સને બાયપાસ કરવાના પ્રયાસો હવે તેજ થયા છે. અમે એવી સિસ્ટમ પર આધાર રાખવા માગતા નથી કે જે કોઇપણ સમયે બંધ થઈ જાય અને અમે એવી સિસ્ટમ ઇચ્છતાં નથી જેના માલિકો રાતોરાતો નાણાની ચોરી કરી જાય.

તેમણે જણાવ્યું હતું કે “આપણે બંનેના વેપાર મંત્રાલયો, નાણા મંત્રાલયો વચ્ચે સારા સંબંધો ધરાવીએ છીએ. પશ્ચિમના ગેરકાયરે અને એકપક્ષીય પ્રતિબંધોથી ઊભા થયેલા કૃત્રિમ અવરોધને બાયપાસ કરવાનો કોઇ રસ્તો મળી જશે.”
રશિયા પાસેથી મોટા પાયે ભારત દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી અંગેના મુદ્દાની ચર્ચા થઈ હતી કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અમે ભારત ખરીદવા માગે તેટલો સપ્લાય આપવા માટે તૈયાર છીએ.”

યુક્રેન યુદ્ધ અંગે ભારતના વલણની પ્રશંસા કરતાં વિદેશ પ્રધાને જણાવ્યું હતું કે મોટા ભાગના દેશો શું થઈ રહ્યું છે અને આ કટોકટીનું મૂળ કારણ શું છે તે સારી રીતે જાણે છે. પશ્ચિમ દેશોનો ચહેરો હાલના દિવસોમાં ખુલ્લો પડી ગયો છે.