(Andrew Parsons/No 10 Downing Street/Handout via REUTERS)

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને કોરોનાવાયરસ લૉકડાઉનમાંથી પોતાની ‘એક્ઝિટ વ્યૂહરચના’ અંગે રવિવાર તા. 10મી મેના રોજ સાંજે રાષ્ટ્રને સંબોધન કર્યું હતુ. તેમણે બ્રિટનવાસીઓને નવા સૂત્રમાં ‘સ્ટે એલર્ટ, કંટ્રોલ વાયરસ એન્ડ સેવ લાઇવ્સ’ સુત્ર આપ્યુ હતુ.  જો કે નિકોલા સ્ટર્જન અને લેબર પાર્ટીએ નવા ‘સ્ટે એલર્ટ’ યોજનાને ‘ભૂલ ભરેલી’ અને ‘ટોટલ જોક’ સમાન ગણાવી હતી. જ્હોન્સનના શક્તિશાળી ‘સ્ટે હોમ’ મંત્રને હળવો કરવાના નિર્ણયની નિંદા કરવામાં નિકોલા સ્ટર્જન સાથે વેલ્સ અને નોર્ધર્ન આયર્લેન્ડ પણ જોડાયા હતા. લેબરના સર કેર સ્ટાર્મરે કહ્યું કે ‘સ્પષ્ટતા અને સંમતિ’ નો અભાવ હતો. વડા પ્રધાન અસરકારક રીતે જાહેર પરિવહનનો ઉપયોગ કર્યા વિના અને સલામતી અથવા સ્પષ્ટ માર્ગદર્શન માટેની સ્પષ્ટ યોજના વિના લાખો લોકોને કામ પર પાછા ફરવાનું કહી રહ્યા છે.’’ તેમના અન્ય રાજકીય હરીફોએ યોજના મૂંઝવણભરી  હોવાનુ જણાવ્યુ હતુ. ‘

ડાઉનિંગ સ્ટ્રીટથી રાષ્ટ્રને ટીવી સંબોધનમાં વડા પ્રધાને ખૂની બિમારીને રોકવા બદલ બ્રિટનના ‘બલિદાન’ની સરાહના કરતા જણાવ્યુ હતુ કે ‘’સરકારની અગ્રતા એ છે કે અત્યાર સુધી કરવામાં આવેલા પ્રયત્નોને ‘ફેંકી દેવા’ જોઇએ નહિ.

એવી આશંકા છે કે ‘ઘરે રહેવા’ ના વડાપ્રધાન કચેરીનો આદેશ ખૂબ જ અસરકારક રહ્યો હતો અને તેનાથી યુકેના અર્થતંત્રને નુકસાન થયું હતું અને આશંકા છે કે ડ્રાકોનિયન પ્રતિબંધો 300 વર્ષની સૌથી ખરાબ મંદીનું કારણ બનશે.

પિયર્સ મોર્ગને ટ્વીટર પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યુ હતુ કે ‘’મેં 10 અઠવાડિયાથી મારા બે પુત્રોને જોયા નથી. તેઓ 10 મિનિટના અંતરે જ રહે છે. જો હું 2 મીટરના અંતરે ઉભા રહેલા અજાણ્યા લોકોને મળી શકતો હોઉં તો હું 2 મીટર દૂર ઉભા રહેલા મારા દિકરાને કેમ જોઇ ન શકુ?’’ લેબર સાંસદ લ્યુસી પોવેલે કહ્યું હતુ કે આ યોજનામાં ‘અમે ક્યારે કુટુંબ અને નજીકના મિત્રોને મળી શકશું તેનો કોઈ ઉલ્લેખ નથી. બ્રીફિંગ આપતાં પહેલાં સ્પષ્ટ કરવાની જરૂર છે.’

જ્હોન્સને કહ્યું હતુ કે ‘’ગઈકાલે રાતના પ્રસારણમાં ફક્ત યોજનાનો ‘સ્કેચ’ રજૂ કરાયો હતો જેને આજે સોમવારે સંસદ સમક્ષ એક વ્યાપક દસ્તાવેજરૂપે રજૂ કરવામાં આવશે. જે બાબતોનું નિવારણ કરાયું ન હતુ તેમાં ગાર્ડન સેન્ટર ફરીથી ખોલવા અને કોરોનાવાયરસનો ફેલાવો ઘટાડવા માટે ફેસમાસ્કનો ઉપયોગ કરવો તે છે.

વડાપ્રધાને 13 મિનિટના ભાષણમાં જણાવ્યુ હતુ કે ‘’હાલમાં વાયરસનો રીપ્રોડક્શન (આર) નંબર 0.5. થી 0.9 ની વચ્ચે રહેવાનો અંદાજ છે અને રોગચાળાનો આ પ્રકોપ નિયંત્રણમાં રહેશે તો જ નિયંત્રણો હળવા કરાશે. જો કોઇ વિસ્તારોમાં પરિસ્થિતિ બગડશે તો ‘બ્રેક્સ’ મુકાય તેવી સંભાવનાઓ છે. આપણા એનએચએસનું રક્ષણ કરવા અને હજારો લોકોનું જીવન બચાવવા બદલ તમારો આભાર, પણ લોકડાઉનને સંપૂર્ણ રીતે ઉપાડવાનો ‘હવે સમય નથી. આપણે સજાગ રહેવું જોઈએ. આપણે વાયરસને અંકુશમાં રાખવો પડશે અને જીવન બચાવવા પડશે. આપણે બંધ દુકાનો, ત્યજી દેવાયેલા બિઝનેસીસ અને અંધારિયા પબ અને રેસ્ટોરાં જોઈ શકીએ છીએ. લાખો લોકો આ ભયંકર રોગ, લાંબી નિષ્ક્રિયતા તેમજ તેમની આજીવિકા અને તેમની માનસિક અને શારીરિક સુખાકારી માટે ડરી રહ્યા છે. તેમના અને તેમના બાળકોના ભાવિ માટે હું આજે રાત્રે યોજનાને આકાર આપવા માંગુ છું. સૌએ સામાજિક અંતર અંગેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે અને જે થોડા લોકો તેને નહિ પાળે તેમને માટે દંડની રકમ વધારીશું.’

બીજી તરફ યુનિયન તરફથી ધમકી આપવામાં આવી છે કે કર્મચારીઓ તેમના સ્વાસ્થ્ય અને સલામતી સુરક્ષિત નહીં હોય તો નોકરી પર પાછા જવાનો ઇન્કાર કરશે તેવા સંમિશ્રણ વચ્ચે, કાર્યસ્થળો કેવી રીતે ‘કોવિડ સિક્યુર’ બની શકે છે તે બતાવવા માર્ગદર્શન આપવામાં આવશે. કોરોનાવાયરસ લોકડાઉનમાંથી બહાર નીકળવાના સંભવિત માર્ગને દર્શાવવા માટે સરકારે ગઈરાત્રે ગ્રાફિક્સની શ્રેણી જારી કરી હતી.