ગયા વર્ષે હોલબોર્નની એક બેંકમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરવા જતા ધરપકડ કરાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ જ્વેલરી મોગલ નીરવ મોદીએ £1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં સાક્ષીઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનુ ગઈકાલે કોર્ટને કહેવામાં આવ્યું હતું.

49 વર્ષીય નીરવ મોદીએ ભારતીય સરકારી માલિકીની પંજાબ નેશનલ બેન્કમાંથી મોટી છેતરપિંડીમાં કથિત ભાગ લીધા પછી ભાગી ગયો હતો. છેલ્લા 14 મહિનાથી ભારતની પ્રત્યાર્પણની લડત લડી રહ્યો છે અને હાલમાં તે એચએમપી વૉન્ડસવર્થ જેલ ખાતે અટકાયતમાં છે. ગઈકાલે પાંચ દિવસના પ્રત્યાર્પણની સુનાવણી પૈકીની પ્રથમ સુનાવણી માટે લંડનની વેસ્ટમિંસ્ટર મેજિસ્ટ્રેટની કોર્ટમાં વિડિઓ લિંક દ્વારા હાજર થયો હતો. આ સુનાવણી બાદ નિર્ણય લેવાશે કે તેનુ પ્રત્યાર્પણ કરવુ કે નહીં.

સોમવારે તા. 11ના રોજ ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસના બેરિસ્ટર હેલન માલ્કમે વિડીયોલિંક દ્વારા ભારતના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ની રજૂઆત કરી હતી. તેણીએ કેવી રીતે હીરાના વેપારી અને તેના ભાઈએ “સાક્ષીઓને ડરાવવા” અને “તેમને મૃત્યુની ધમકી આપી” છેતરપિંડીને ઢાંકવા કેવી રીતે વિગતો આપી હતી તે વિશે પણ જણાવ્યું હતુ. જો કે, મોદીની કાનૂની ટીમે આક્ષેપોને નકારી કાઢ્યા હતા.

“મુશ્કેલી એ છે કે આમાંથી કોઈ પણ સાબિત થયું નથી. ઘણું વિગતવાર છે, પરંતુ ભારત સરકારનો દાવો ખૂબ લાંબો છે, પરંતુ પુરાવા ખૂબ ટૂંકા છે” એમ મોદીના બેરિસ્ટર ક્લેર મોન્ટગોમરીએ જણાવ્યું હતું.

સુનાવણીની અધ્યક્ષતા જિલ્લા ન્યાયાધીશ સેમ્યુઅલ ગુજી કરી રહ્યા છે, જેનો શુક્રવાર તા. 15ના રોજ અંત આવશે તેવી ધારણા છે.