કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ લૉકડાઉનનો ત્રીજો તબક્કો રવિવારે પૂરો થવાની સાથે કેન્દ્ર સરકારે વધુ ૧૪ દિવસ માટે ૩૧મી મે સુધી લૉકડાઉન લંબાવ્યું છે. જોકે, અપેક્ષા મુજબ કેન્દ્રે લૉકડાઉનના ચોથા તબક્કામાં રાજ્યોને વ્યાપક છૂટછાટો આપી છે. કેન્દ્રે શરતો સાથે રાજ્યોની વચ્ચે અને રાજ્યોની અંદર બસ સેવા અને મોલ સિવાય દરેક પ્રકારની દુકાનો શરૂ કરવાની મંજૂરી અપાઈ છે.

જોકે, ૩૧મી મે સુધી લંબાવાયેલા રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનમાં કન્ટેનમેન્ટ ઝોનમાં કોઈપણ પ્રકારના કામકાજને મંજૂરી અપાઈ નથી. દેશને કન્ટેનમેન્ટ, બફર, રેડ, ઓરેન્જ અને ગ્રીન એમ પાંચ ઝોનમાં વિભાજિત કરાશે તથા ઝોન નક્કી કરવાની જવાબદારી રાજ્યોને સોંપાઈ છે. આ સમયમાં મેટ્રો, સ્થાનિક ઉડ્ડયન અને દરેક પ્રકારના જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત્ રખાયો છે.

દેશમાં કોરોનાથી એક જ દિવસમાં ૧૫૯નાં મોત નીપજ્યાં હતા અને ૫,૦૬૩ નવા કેસ નોંધાયા હતા. આ સાથે કોરોનાનો કુલ મૃત્યુઆંક ૨૯૪૯ થયો હતો જ્યારે કોવિડ-૧૯ના દર્દીઓની કુલ સંખ્યા ૯૫૩૮૯ થઈ હતી. દેશમાં અત્યાર સુધીમાં ૩૬,૨૫૧ દર્દીઓ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

દરમિયાન કોવિડ-૧૯ સામેની લડતમાં નોડલ વિભાગ એવા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએમએ)એ કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન ૪ની જાહેરાત કર્યા પછી તુરંત જ ગૃહમંત્રાલયે આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની મંજૂરી આપવા સાથે લૉકડાઉન માટે નવી માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી. વડાપ્રધાને ગયા મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધનમાં લૉકડાઉનનો ચોથો તબક્કો સોમવારથી શરૂ થશે તેમજ નવી માર્ગદર્શિકા અગાઉના ત્રણ તબક્કાથી એકદમ અલગ હશે તેવા સંકેત આપ્યા હતા.

નવી માર્ગદર્શિકા હેઠળ ઈ-કોમર્સ પ્લેટફોર્મને કન્ટેનમેનટ ઝોન સિવાય દરેક જગ્યાએ આવશ્યક ચીજો તેમજ બિન આવશ્યક ચીજોની ડિલિવરી કરવાની પણ મંજૂરી અપાઈ છે. આ સાથે દેશમાં ૨૪મી માર્ચથી લૉકડાઉન લાગુ થયાના અંદાજે ૫૦થી વધુ દિવસ પછી કન્ટેનમેન્ટ ઝોન સિવાય બધા જ વિસ્તારોમાં દરેક પ્રકારની દુકાનો સોમવારથી ખોલી શકાશે.

જોકે, દુકાનો સહિત દરેક જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવા, સેનિટાઈઝરની ઉપલબ્ધતા સહિતની બધી જ જરૂરિયાતોનું પાલન કરવાનું રહેશે. લૉકડાઉનમાં બહાર નીકળતા બધા લોકો માટે આરોગ્ય સેતુ એપ મોબાઈલ ફોનમાં ઈન્સ્ટોલ કરવાનું ફરજિયાત કરાયું છે.

ગૃહમંત્રાલયની નવી માર્ગદર્શિકા મુજબ લૉકડાઉન-૪માં વિસ્તારોને પાંચ ઝોનમાં વિભાજિત કરાશે. લૉકડાઉનના અગાઉના ત્રણ તબક્કામાં દેશના વિસ્તારોને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વિભાજિત કરાયા હતા અને આ ઝોન કેન્દ્ર નક્કી કરતું હતું. આ વખતે કન્ટેનમેન્ટ અને બફર ઝોનનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ ઝોન નક્કી કરવાની જવાબદારી જિલ્લા તંત્રને સોંપાઈ છે. એમ પણ કહેવાય છે કે મુખ્ય રૂપે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન જ રહેશે, પરંતુ કન્ટેનમેન્ટ અને બફર એમ બે ઝોન આ ત્રણની અંદર નક્કી કરાશે.

કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર જરૂરી પ્રવૃત્તિઓને મંજૂરી અપાઈ છે. આ ઝોનમાં સામાન્ય લોકોના આવાગમનને મંજૂરી નહીં હોય. માત્ર મેડિકલ ઈમરજન્સી, જરૂરી સેવાઓ માટે કામ કરનારા લોકોને જ આવવાની મંજૂરી હશે. જોકે, આ ઝોનનો વિસ્તાર જિલ્લા સ્તરે નક્કી થશે. કન્ટેનમેન્ટ ઝોનમાં સંક્રમિતોની ઓળખ કરવા માટે વ્યાપક અભિયાન ચલાવાશે. કેન્દ્ર તરફથી જાહેર માર્ગદર્શિકામાં જણાવાયું છે કે દરેક ઝોનમાં સાંજે સાતથી સવારે સાત વાગ્યા સુધી દરેક પ્રકારના કામકાજ પર પ્રતિબંધ ચાલુ રહેશે.

કેન્દ્ર સરકારે રમત-ગમતની પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે નવી માર્ગદર્શિકામાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્ટેડિયમોને ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ તેમાં દર્શકોના પ્રવેશને મંજૂરી નથી અપાઈ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્ટેડિયમોમાં માત્ર ખેલાડીઓ જ હાજર રહી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ૯ પાનાની માર્ગદર્શિકામાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે લૉકડાઉન-૪માં શું કરવું અને શું નહીં કરવું તેની યાદી પણ જાહેર કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા લૉકડાઉન લંબાવવાની જાહેરાત થાય તે અગાઉ જ કેટલાક રાજ્યોએ સ્થાનિક સ્તરે લૉકડાઉન ૩૧ મે સુધી લંબાવવાની જાહેરાત કરી દીધી હતી. પંજાબ સરકારે શનિવારે જ ૩૧ મે સુધી લૉકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી. જોકે તેણે રાજ્યમાંથી કર્ફ્યૂ હટાવવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું કે ૧૮ મે પછી રાજ્યમાં મોટાભાગની દુકાનો ખુલશે. નાના વેપારીઓને કામકાજની મંજૂરી અપાશે. પંજાબ પછી મહારાષ્ટ્ર, તેલંગાણા અને તમિલનાડુએ પણ લૉકડાઉન ૩૧ મે સુધી લંબાવવાની જાહેરાત કરી હતી.

આ બંધ રહેશે
દેશમાં સોમવારથી લૉકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઈ રહ્યો છે ત્યારે સ્કૂલ-કોલેજો, શોપિંગ મોલ, સિનેમા ઘર, વ્યાયામ શાળા, સ્વિમિંગ પૂલ, મનોરંજન પાર્ક, બાર અને ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા, મેટ્રો ટ્રેન બંધ રહેશે. ધાર્મિક, સામાજિક, રાજકીય સહિત દરેક પ્રકારના જાહેર મેળાવડાઓ પર પ્રતિબંધ યથાવત રહેશે.

આ ચાલુ થશે
શોપિંગ મોલ સિવાયની બધી જ દુકાનો ખુલી શકશે. ઈ-પ્લેટફોર્મ દ્વારા બીન આવશ્યક વસ્તુઓની પણ ડિલિવરી થઈ શકશે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્ટેડિયમ ખુલશે, પરંતુ દર્શકોને પ્રવેશ નહીં. માત્ર હોમ ડિલિવરી માટે જ રેસ્ટોરાંના રસોડા ખુલશે. રાજ્યોની અંદર અને રાજ્યો વચ્ચે પારસ્પરિક સંમતિથી બસ સેવા શરૂ થઈ શકશે.