ગુજરાત-મહારાષ્ટ્રની સરહદ પાસેના કેન્દ્રશાસિત પ્રદેશ દાદર અને નગરહવેલી લોકસભાની બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવારનો 51269 મતની જંગી સરસાઇથી વિજય થયો છે. સાંસદ મોહન ડેલકરની આત્મ હત્યા પછી ખાલી પડેલી બેઠક પર તેમનાં પત્નીને શિવસેનામાંથી ટિકિટ આપી હતી. જ્યારે ભાજપે મોહન ડેલકરના એકસમયના સમર્થક એવા જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ ઉપપ્રમુખને ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હીથી નેતાઓની ફોજ ઉતારી છતાં ભાજપની હાર થઇ હતી.
સેલવાસમાં પેટાચૂંટણીની મતગણતરી પ્રક્રિયા શરૂ કરાઈ હતી. પ્રથમ રાઉન્ડમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સરસાઈ મેળવ્યા બાદ અંતિમ રાઉન્ડ સુધી આગેકૂચ જારી રાખી હતી. શરૂઆતથી ભાજપ શિવસેનાથી ખૂબજ પાછળ રહેતા આગેવાનો અને કાર્યકરોમાં એકદમ સોંપો પડી ગયો હતો. મતગણતરીના તમામ રાઉન્ડમાં કલાબેન ડેલકર આગળ રહ્યા હતા. મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થતાં જાહેર થયેલા પરિણામમાં કલાબેન ડેલકર (118035 મત) સામે ભાજપના મહેશ ગાંવિત (66766 મત)નો કારમો પરાજય થયો હતો.
જયારે કોંગ્રેસના મહેશ ધોડીને માત્ર 6150 અને ભારતીય ટ્રાયબલ પાર્ટીના ગણેશ ભૂજાડાને માત્ર 1782 મત અને નોટામાં 5537 મત પડ્યા હતા. પ્રદેશના લોકપ્રિય અને સક્ષમ નેતા મોહન ડેલકરના અપમૃત્યુથી કાર્યકરો અને સમર્થકોએ ભારે આઘાતની લાગણી અનુભવી હતી. જેના કારણે વિચલિત થયેલા મતદારોએ પેટાચૂંટણીમાં ડેલકર પરિવાર સાથે સહાનુભૂતિ દર્શાવી હતી. આ સંઘપ્રદેશમાંથી કલાબેન પ્રથમ મહિલા સાંસદ બન્યા છે.
દા.ન.હવેલીમાં વર્ષ 1967થી અત્યાર સુધીમાં લોકસભા બેઠક માટે યોજાયેલી ચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકરે સૌથી વધુ 51269 મતોની સરસાઈ મેળવી એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે. અત્યાર સુધીમાં વિજેતા ઉમેદવારોએ 618થી 14878 મતોની જ સરસાઈ મેળવી હતી. સ્વ. મોહન ડેલકરે સાત વખત લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું હતું પરંતુ તેમને ચૂંટણીમાં આટલી મોટી સરસાઈ કયારેય મળી ન હતી.